રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય રાજ્ય આખામા હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયાતા છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન શક્રિય થયુ છે અને બીજી તરફ દ્વારકા, ગીર સોમનાથના દરિયામા તેની અસર જોવા મળી રહી છે. આવતા 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામા આવી છે.
આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યુ છે કે રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ભારે વરસાદ થશે અને ચોથા રાઉન્ડની શરૂઆત 24 થી 48 કલાકમા શરૂ થશે. અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકશે. ખાસ કરીને 14 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદ શરૂ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં પણ મેધરાજાની જોરદાર બેંટિગ જોવા મળશે.
અંબાલાલ પટેલે કહ્યુ છે કે વલસાડ, સુરતમાં સારો વરસાદ રહેશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના રહેશે. રાજ્યમા ભારેથી અતિભારે વરસાદના કારણે ફરી પૂર આવે તેવી પણ તેમણે સંભાવના વ્ય્કત કરી છે. બીજી તરફ હાલ રાજ્યના ડેમોની સ્થિતિ અંગે વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા અત્યારે ખોલવામાં આવ્યા છે. ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ ડેમ મહત્તમ જળસપાટીથી 5.17 મીટર દૂર છે અને જો આવનારા સમયમા નર્મદા નદીમાં તબક્કાવાર 10 હજારથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાવામાં આવશે તો કાંઠા વિસ્તારના વડોદરાના 3 તાલુકા અને ભરૂચના લોકોને હેરાન થવુ પડશે.
આ સિવાય ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે અને ડેમની રૂલ લેવલ સપાટીને જાળવી રાખવા ડેમમાંથી 1.83 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હોવાની માહિતી સામે આવી છે. આ કારણે અડાજણની રેવાનગર ઝુંપડપટ્ટીમાં પાણી ઘુસી ગયા છે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો રાજકોટના ઉપલેટામાં આવેલા મોજ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમની સપાટી 40.40 ફૂટ પર પહોંચી છે.