ગામડાની નિરક્ષર બહેનોની પોતાની કંપની હોય…. ? તો મોટાભાગના લોકો કહે ના. ના હોય…. પરંતુ કેમ ન હોય…. હોય…. આ વાતને સાર્થક કરી છે ઉત્તર ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી એક સંસ્થાએ. મહિલા સશક્તિકરણની મિસાલ કહી શકાય તેવા મમતા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક સુશ્રી કુસુમબેન રાજગોરે અમીરગઢ તાલુકાના અંતરીયાળ ગામડામાં આદિવાસી બહેનોના આર્થિક- સામાજિક વિકાસ માટે સેવાયજ્ઞ આદર્યો છે.
દ્વારા સ્થાપિત મમતા ચેરીટેબલ ટ્રસ્ટે આદિજાતિ બહેનોના સશક્તિકરણ અને ગ્રામિણ મહિલાઓના ઉત્થાન માટે આજીવિકા ઉભી કરવાના ભાગરૂપે નાબાર્ડની મદદથી વામા ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીની રચના કરી છે. આ કંપની બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બાહુલ્ય ધરાવતા વાઘોરિયા ગામમાં આવેલી છે. જેના ગોડાઉનનું આજે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલે બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, આ વિસ્તારની બહેનોની પોતાની માલિકીની કંપની બનાવવી એ બહુ મોટી વાત છે. તેમણે કહ્યું કે, બહેનો કંપનીની માલિક બનવાથી તેમનો આત્મવિશ્વાસ અને હોંસલો બુલંદ બન્યો છે કે અમે પણ સારા ધંધા- રોજગારના માધ્યમથી આર્થિક ઉપાર્જન કરી શકીએ છીએ. કલેકટરશ્રીએ જણાવ્યું કે, સ્ત્રી એ કુટુંબ અને સમાજની ધરી છે. સ્ત્રીઓ આગળ આવશે તો સમાજ આપોઆપ પ્રગતિના સોપાનો કરશે.
તેમણે મહિલાઓને પ્રેરિત કરતા કહ્યું કે, સજીવ ખેતી વડે ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરીને કંપનીને નવી ઊંચાઈએ પહોંચાડીએ. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે, આવતી વાર્ષિક સાધારણ સભાનું અન્ય કોર્પોરેટ કંપનીઓની જેમ વ્યવસાયિક રીતે સફળ રીતે સંચાલિત કરશો. તેમણે વામા કંપનીને સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ આપવા પણ જણાવ્યું હતુ.
મમતા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કાર્યરત છે. વર્ષ-૨૦૧૩થી બનાસકાંઠાનાં દાંતીવાડા અને અમીરગઢ તાલુકામાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પર્યાવરણ અને લાઇવલીહૂડ (આજીવિકાનાં સ્ત્રોતનું સર્જન કરવું) માં ક્ષેત્રમાં કાર્યરત છે. વામા કંપનીમાં ડિરેક્ટર સહિત સભ્યો પણ આદિવાસી મહિલાઓ જ છે. (મહિલા માટે સંસ્કૃતમાં વામા શબ્દ છે). કંપનીની સ્થાપનાને બે વર્ષ પૂરા થયા છે અને હાલમાં કંપનીમાં ૩૪૦ સભ્યો છે.
અમીરગઢ તાલુકામાં શાકભાજીનું ઉત્પાદન વધારે થાય છે. આ વિસ્તારની આદિજાતિ બહેનો ખેતી, પશુપાલન સાથે શાકભાજી વેચવાના વ્યવસાય સાથે પણ જોડાયેલી છે. આ બહેનોને શાકભાજી વેચવા માટે સરળતાથી બજાર મળી રહે તે માટે વામા ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની કાર્યરત છે. આ કંપની શાકભાજીનું વાવેતર કરતી મહિલા ખેડૂતો અને બજારને એકબીજા સાથે જોડવામાં મદદ કરે છે. બહેનો યોગ્ય સપ્લાય ચેઇન બનાવીને તેમના ખેતરમાં થતાં ઉત્પાદનોનો પુરતો ભાવ મળી રહે તેની ચિંતા આ કંપની દ્વારા કરવામાં આવે છે.
આ કંપનીનું સૌથી અગત્યનું કામ ગ્રામીણ મહિલાઓને ખેડૂત તરીકે ઓળખ આપવાનું અને તેમનું ગ્રામ્ય સ્તરે સશક્તિકરણ કરવાનું છે. શ્રેષ્ઠ વ્યવસાયિક પ્રયાસો અને તકો માટે વામા ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા વાઘોરીયા ગામમાં ૩૪૫૦ ચો.ફૂટ પર ગોડાઉન બનાવવામાં આવ્યું છે. જેનાથી આ વિસ્તારની નિરક્ષર આદિજાતિ બહેનો આર્થિક રીતે પગભર બનશે. આ પ્રસંગે અમીરગઢ મામલતદાર શ્રી એસ.જી.ગોટીયા અને નાબાર્ડના અધિકારીશ્રી અજિત દિઘે ઉપસ્થિત રહ્યા હતા.