ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. રિવાબાને સમગ્ર પ્રચાર દરમિયાન તેમના નણંદ નયનાબા અને સસરા અનિરુદ્ધસિંહ જાડેજાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વાસ્તવમાં આ બંને કોંગ્રેસ પક્ષના છે અને ભાજપે જામનગરમાંથી રિવાબાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. હવે મતદાન દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાએ પારિવારિક લડાઈને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ કોંગ્રેસ સાથે છે. પારિવારિક ઝઘડા પર તેમણે કહ્યું કે પાર્ટીનો મામલો પારિવારિક મામલાથી અલગ છે. આપણે આપણા પક્ષ સાથે જોડાયેલા રહેવું જોઈએ. હું વર્ષોથી તેની સાથે છું. આ પાર્ટીનો મામલો છે, પારિવારિક સમસ્યા નથી.
રીવાબા જાડેજાને ભાજપમાંથી ટિકિટ મળ્યા બાદ તેમના પરિવારમાં વિખવાદના સમાચાર પણ સામે આવ્યા હતા. તેનું કારણ એ હતું કે રવિન્દ્ર જાડેજાની બહેન નયના કોંગ્રેસમાં છે, આવી સ્થિતિમાં તે પોતાની નણંદ સામે ખુલ્લેઆમ સામે આવી અને વિરોધ પ્રચાર કર્યો. દરમિયાન રવિન્દ્ર જાડેજા રીવાબા સામે પ્રચાર કરી રહ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. જેના બાદમાં રીવાબાએ જવાબ આપવો પડ્યો હતો. તેના જવાબમાં રીવાબાએ કહ્યું કે આ પહેલીવાર નથી બન્યું કે એક પરિવારમાં અલગ-અલગ વિચારધારાના લોકો હોય. તેમણે કહ્યું હતું કે, મારા સસરા અને મારી નણંદ કોંગ્રેસના સભ્યો તરીકે તેમની પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. આમાં કોઈ મોટો મુદ્દો નથી. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો રાજ્યના 19 જિલ્લાઓમાં ફેલાયેલી છે અને આ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર મંગળવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થયો.
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનની વચ્ચે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બાળ ઠાકરે કહેતા જોવા મળે છે કે, ‘નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત ગયા.’ રવિન્દ્ર જાડેજાએ શેર કરેલા આ જૂના વીડિયોમાં બાળ ઠાકરે ગુજરાતીઓને સમજાવતા જોવા મળી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપના ઉમેદવાર છે અને જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.