Gujarat weather: સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહન્તીએ આજે પાંચ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
આ સાથે આવતીકાલે પણ કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે નર્મદા ,ભરૂચ, સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યુ કે, મિચૌંગ વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાઈ શકે છે. બે દિવસ મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા છે. આખા ગુજરાતમાં બે દિવસ નાઇટ ટેમ્પરેચર ઘટવાની શક્યતા છે જ્યારે બે દિવસ પછી ધીરે ધીરે ફરીથી તાપમાન વધવાની શક્યતા છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહન્તીએ આજે ગુજરાતના હવામાન અંગે અનુમાન કરતા વધુમાં જણાવ્યુ છે કે, આગામી ત્રણ દિવસ પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે. આશરે 10થી 20 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠે પવનની ગતિ 40થી 50 સુધી જવાની શક્યતા છે. આ સાથે સી પ્રેશરને કારણે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે.
આજનું તાપમાન: આજે નલિયામાં સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જ્યારે અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.