રેસુંગ ચૌહાણ (પાલનપુર): “શિક્ષક કભી સાધારણ નહિં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતેં હૈ.” ચાણકયની આ ઉકિત ખરેખર સાર્થક કરી છે, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુરના કલાશિક્ષક નયન ચત્રારિયાએ…! પ્રવર્તમાન સમયમાં હાઇજેનિક ખોરાકના કારણે માસુમ દિકરીઓ ઘણીવાર ૧૨ વરસની નાની ઉંમરે પણ માસિક ધર્મ (પિરિયડ્સ) ના કાર્યકાળમાં પ્રવેશતી હોય છે. પૂરતી સમજ ના હોવાથી માસિક ધર્મ (પિરિયડ) નું દર્દ, સાથે દાગ પડવાની ઝંઝટ અને જાહેરમાં શરમ પણ અનુભવતી હોય છે. આ દર્દને પોતાની શાળા સહિત આસપાસના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની દિકરીઓમાં અનુભવાતી આ વેદનાએ કલાશિક્ષક નયન ચત્રારિયાને આ દિકરીઓ માટે એક પુરુષ થઇને પણ આવી બાબતો માટે વાત કરતાં કરી દિધાં.
દિકરીઓના માસિક ધર્મ બાબતે આજના આધુનિક સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને રૂઢિગત પરંપરાને તિલાંજલી આપવા અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારની અસંખ્ય શાળાઓમાં જઇ દિકરીઓના માતા-પિતાને આ બાબતે વૈજ્ઞાનિક અભિગમ દાખવવા કલાશિક્ષક નયન ચત્રારિયા એક અનોખી ફરજ અદા કરી રહ્યાં છે. સાથે જરુરિયાતમંદ દિકરીઓને મફત સેનેટરી પેડનું વિતરણ કરી જુની પ્રણાલી નાબુદ કરવા “સમસ્યા નહિં, સમાધાન” નામે એક સકારાત્મક અભિયાન ચલાવી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નયન ચત્રારિયા પોતે કલાશિક્ષક સાથે ઉત્તર ગુજરાતનાં જાણિતા એન્કર અને ફિલ્મ મેકર હોઇ વિશાળ ચાહક વર્ગ ધરાવે છે. તેમણે આ માસુમ દિકરીઓના માસિક ધર્મ બાબતે લોકોને માહિતગાર કરવા અંધશ્રદ્ધા નિર્મુલન અભિયાન અંતર્ગત નિર્માણ પામેલ “પાખંડ” વેબ સિરિઝમાં “એક સમસ્યા” નામના એપિસોડનું દિગ્દર્શન કરી દિકરીઓની વેદના અને સંવેદનાને તેમાં દર્શાવી વૈજ્ઞાનિક અભિગમ દાખવવા સૌને હાકલ કરી હતી. દિકરીઓ માટે કરવામા આવતી આવી નિરપેક્ષ અને સેવાકિય પ્રવૃત્તિની જાણ થતાં આ અભિયાન ને સાથ આપવા તેમના મિત્રો અને શુભેચ્છકોએ તેમને મદદ કરી ‘સેનેટરી પેડ’ લાવવા માટે આર્થિક સહયોગ પણ આપ્યો છે.
જેનાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની જરુરિયાતમંદ દિકરીઓને અત્યાર સુધી બે લાખ ઓગણીસ હજાર રૂપિયાના ખર્ચે ૧ લાખ થી પણ વધૂ સંખ્યામાં મફત સનેટરી પેડ આપી યુવા કલાશિક્ષક નયન ચત્રારિયાએ વાસ્તવિક જીવનમાં ‘ પેડમેન ‘* બની આજના યુવાનોને અને સમાજને એક અનોખું ઉદાહરણ પુરુ પાડયું છે. તેમના આ કાર્યને તેમના ધર્મપત્નિ મધુ ચત્રારિયા અને બાર વર્ષના પુત્ર કુમાર ચત્રારિયા પણ આ સેનેટરી પેડનાં પેકિંગ થી લઇ વિતરણમાં સહયોગી થાય છે. માસિક ધર્મ બાબતે દિકરીઓ સાથે આભડછેટ અને ઓરમાયું વર્તન ના થાય તેમજ આ બાબતે સમાજના કહેવાતા સુધરેલા પરિવારોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા દુર થાય અને લોકો વૈજ્ઞાનિક અભિગમ દાખવે એ બાબતે નયન ચત્રારિયા સમગ્ર ગુજરાતની દિકરીઓ માટે આજીવન પ્રયત્નશીલ રહેશે એવો નિર્ધાર કર્યો છે.