આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં અવારનવાર ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભા માટે તેમણે પૂરી તાકાત લગાવી દીધી છે. આજે અમદાવાદમાં મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ પાછલા બારણેથી સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
તેઓ અમદાવાદમાં પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપના લોકો કહી રહ્યા છે કે શું મેધા પાટકર આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર હશે? આનો મારો જવાબ છે કે મેં એ પણ સાંભળ્યું છે કે મોદીજી પાછલા બારણેથી સોનિયા ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે અને તેમના પ્રશ્નો લેવાનું બંધ કરો.
કેજરીવાલે આપ્યા આ વચનો-
-અમારો કોઈ પણ મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય કે કોઈ પણ ધારાસભ્ય હોય, અમારો કોઈ સાંસદ હોય કે અન્ય કોઈના પણ કોઈને ભ્રષ્ટાચાર કરવા નહીં દઈએ. ભ્રષ્ટાચાર કરશો તો જેલમાં મોકલીશું.
-ગુજરાતની જનતાના પૈસા ગુજરાતના વિકાસ પાછળ ખર્ચવામાં આવશે.
-અમારી સરકાર બન્યા બાદ સરકારમાં દરેક વ્યક્તિનું દરેક કામ કોઈપણ લાંચ વગર થશે.
-એવી વ્યવસ્થા કરશુ કે તમારે કામ કરાવવા જવું ન પડે. સરકાર તમારા ઘરે આવશે. દિલ્હીમાં ડોરસ્ટેપ ડિલિવરી સ્કીમ લાગુ છે.
-નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યોના તમામ કાળા ધંધા બંધ થશે. ઝેરી દારૂ વેચાઈ રહ્યો છે, પેપર લીક અટકાવવામાં આવશે, અગાઉના પેપર લીકના કેસ ખોલવામાં આવશે અને ગુનેગારોને જેલમાં ધકેલી દેવામાં આવશે.
-આ લોકોના કાર્યકાળ દરમિયાન થયેલા તમામ મોટા કૌભાંડોની તપાસ કરવામાં આવશે. લૂંટેલા પૈસા પાછા મળશે અને એ પૈસાથી તમારી શાળાઓ-હોસ્પિટલો બનશે અને વીજળી-રસ્તાનું કામ થશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં ફરી રહ્યો છું અને લોકોને મળી રહ્યો છું. વકીલો, ઓટો ચાલકો, ખેડૂતો અને વેપારીઓએ કહ્યું છે કે અહીં ઘણો ભ્રષ્ટાચાર છે. લોકોને કોઈ પણ સરકારી વિભાગમાં કામ કરાવવાનું હોય તો પૈસા ચૂકવવા પડે છે. જો તમે તેમની સામે કંઈ બોલો તો તેઓ ડરાવવા અને ધમકાવવા સુધી પહોંચી જાય છે. તમારો ધંધો બંધ કરાવી દઈશું કહે છે. ચારે બાજુ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી છે. તેમણે કહ્યું કે આજે અમે ગેરંટી આપીએ છીએ. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભયમુક્ત શાસન આપવામાં આવશે.