દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખતા દર અઠવાડિયે (સપ્તાહે) ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ગઇકાલે તેઓએ અમદાવાદના ટાઉનહોલના કાર્યક્રમ દરમિયાન જનતાને ૫મી ચૂંટણીલક્ષી ગેરંટી આપી હતી. જેમાં તેઓએ એલાન કરતાં કહ્યું હતું કે, ‘જાે ગુજરાતમાં AAP ની સરકાર બની તો ૧૮ વર્ષથી ઉપરની તમામ મહિલાઓને દર મહિને ૧ હજાર રૂપિયા આપવામાં આવશે.’ત્યારે આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રહાર કરતા કહ્યું કે, ‘રાજ્યની બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે.
ગુજરાતમાં આ પ્રકારની રાજનીતિ ક્યારેય જાેઈ નથી. આ વિષયમાં અમે કોઈપણ પ્રકારની રાજનીતિ કરવા નથી માંગતા. આપણા મુખ્યમંત્રી દરેક નાની-નાની માંગણી પર પણ પોતે સમય આપે છે.’ ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે જાહેરાત પ્રસંગે સરકાર પર વાર કરતાં કહ્યું હતું કે, ‘પહેલાં લોકો કહેતા હતાં કે, ગુજરાત ભાજપનો ગઢ છે અહીં કશું થાય એમ નથી. પરંતુ અમે લોકોને મળ્યાં તો ખબર પડી કે લોકો કેટલા ડરેલા છે અને કેટલા દુઃખી છે. ગુજરાત આપ આજે ૫મી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યાં છીએ.
ગુજરાતની ૧૮ વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે.’ વધુમાં કેજરીવાલે કહ્યું હતું કે, ‘અમે જનતાના મુદ્દાની વાત કરીએ છીએ, રાજ્યમાં પ્રથમ વખત જનતાની સરકાર બનશે,અમે જનતાની વચ્ચે ગયા છીએ. અમારી પહેલી ગેરંટી મફત વીજળીની છે. અમારી સરકાર બનશે તો ૧૦ લાખ નોકરીઓ આપીશું. અત્યાર સુધી ૪ ગેરંટી આપી છે. આજે પાંચમી ગેરંટીની જાહેરાત કરું છું.
૧૮ વર્ષથી ઉપરની તમામ મહિલાઓને દર મહિને ૧ હજાર રૂપિયા આપીશું, કોલેજ જતી વિદ્યાર્થીઓ પાસે જવા માટેનું ભાડૂ નથી હોતું, જે મહિલા ઇચ્છે તેને ૧ હજાર રૂપિયા આપીશું. આનાથી અર્થ વ્યવસ્થામાં મોટો ફેર પડશે, લોકોના હાથમાં પૈસા હશે તો ઇકોનોમીમાં વધારો થશે.મહત્વનું છે કે આ પહેલા કેજરીવાલ ૩૦૦ યુનિટ ફ્રી વીજળી, રોજગારીલક્ષી જાહેરાત તેમજ આદિવાસીઓના હક્કોને લઈ જાહેરાત કરી ચૂક્યા છે.