ગુજરાતમા વિધાનસભા ચૂટણી નજીક આવતા એક પછી એક દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. આ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેઓ પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા 22 કરોડના ખર્ચે બનાવવામાં આવતી હોસ્પિટલના લોકાર્પણ માટે પહોંચ્યા હતા. આ હોસ્પિટલ દ્વારા લોકોને મફતમાં સેવા આપવાનો ઉદ્દેશ છે.
આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રીના એક નિવેદને ગુજરાતના રાજકારણમા ખળભળાટ મચાવી દીધો છે. અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યના પ્રભારી વખતે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી હતી તે મારાથી એક ભૂલ થઈ હતી. અમારાથી ઉધારમાં લાવેલ નેતા અમારી મોટી ભૂલ હતી. ઉધારનો નેતા ઉધારનો જ હોય છે.
આગળ વાત કરતા અશોક ગેહલોતે કહ્યુ કે ખરેખર રઘુભાઇ 2017થી જ ટિકિટના સાચા દાવેદાર હતા, પણ બાય ઇલેક્શનમાં તમે રઘુભાઈને જીતાડી રાધનપુરની જનતાએ ખુબજ સુંદર કામ કર્યું છે. આ સાથે તેમણે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યુ કે કેજરીવાલને બોલવાનું કોઈ ભાન નથી. તેઓ ગમે ત્યારે ગમે તે બોલી જાય છે.
તેમણે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે હોવાનો દાવો કર્યો હતો. આ સિવાય ગુજરાતની જનતાને જણાવ્યું હતું કે જો તેઓ ગુજરાતમાં સરકાર બનાવશે તો રાજસ્થાનમાં ચાલતી તમામ લોક ઉપયોગી યોજનાઓ ગુજરાતમા પણ અમલમાં લાવવામાં આવશે.