હાલમાં અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ શરૂ થયો છે અને લોકો એક વખત તો નજારો માણવા જરૂર જતા જોય છે. એમાં પણ પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને મણિનગર અને આસપાસના લોકો કાંકરિયા કાર્નિવલમાં અવનવાં આકર્ષણ જોવા માટે જતા હોય છે. પરંતુ શુક્રવારે રાતે જે ઘટના બની એ ખરેખર હિંસક હતી. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના એન્ટ્રી ગેટ પાસે કેટલાક લોકોને બજરંગ દળના લોકોએ એ માટે દોડાવી દોડાવીને માર્યા કે તેઓ શાંતા ક્લોઝના વેશમાં હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અને હવે વાયરલ પણ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયો વિશે જો વાત કરીએ તો વીડિયોમાં બજરંગ દળના નેતાઓ દેખાઈ રહ્યા છે. આ વિડિયોમાં એવું પણ બોલતા સંભળાય છે કે કાર્નિવલ શરુ થયું ત્યારના મિશનરીઓ અહીં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા આવ્યા છે. કાર્નિવલમાં લોકોને ટાર્ગેટ કરીને મિશનરીના પ્રચારકો તેમને પુસ્તકો આપી ચર્ચમાં આવવા આમંત્રણ આપતા હોવાના પણ અનેક આરોપો નાખવામાં આવી રહ્યા છે. બજરંગ દળના નેતા જવલિત મહેતા અને 20 જેટલા લોકો જગ્યા પર પહોંચ્યા હતા. ત્યારે એ લોકોને મેસેજ મળ્યા હતા કે અમુક ટેબલ પર અન્ય ધર્મના પ્રચાર માટેનાં પુસ્તકો વહેંચાય રહ્યાં છે, આથી બજરંગ દળના લોકો ઉશ્કેરાઇ ગયા અને ત્યારબાદ બબાલ શરૂ થઈ હતી.
આ કાર્યક્રમમાં જોવા મળ્યું હતું કે અનેક સાન્તાક્લોઝ બનીને આવેલા લોકો ભાગી ગયા હતા. આ સમગ્ર મામલો વીડિયોમાં કેદ થયો છે. આ વીડિયોમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે આ લોકો ધર્મનો પ્રચાર અન્ય જગ્યાએ જઈને કરે એવું પણ જણાવી રહ્યા છે. વીડિયોના અંતે જોવા મળે છે કે સાન્તાક્લોઝ બનેલી બેથી ત્રણ વ્યક્તિને લોકો દોડાવી દોડાવી મારે છે, ત્યારે હવે પ્રશ્ન એ છે કે શું સરકારી કાર્યક્રમોમાં પણ લોકોની સેફ્ટી નથી રહી અને જો આવું જ થતું રહેશે તો લોકોને કઈ રીતે વિશ્વાસ આવશે.