રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આ વર્ષે આમ આદમી પાર્ટીએ પણ ઘણી બેઠકો પરથી પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. કોંગ્રેસ અને આપે પોતાના ઉમેદવારોનુ લીસ્ટ પણ જાહેર કરી દીધુ છે. આ વચ્ચે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેનર લાગ્યા હોવાના સમાચાર બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયું છે. દક્ષિણની બેઠક વિસ્તારમાં લાગેલા આ બેનર પર લખવામાં આવ્યું છે કે અમારી દક્ષિણની બેઠકમાં તમારી કોઇ જરૂર નથી.
બેનરોમા એ પણ સ્પષ્ટ લખવામા આવ્યુ છે કે તમારા માટે રાધનપુર બરાબર છે. જો અમારી 35 ગાંધીનગર દક્ષિણ તરફ આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજો.આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સંભવિત દાવેદાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામા છે.
મળતી માહિતી મુજબ આ વખતે શંભુજી ઠાકોરના બદલે અલ્પેશ ઠાકોરને ભાજપ ટિકિટ આપી શકે છે. જો કે થોડા દિવસ પહેલા પાલનપુરમાં ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે પક્ષ નક્કી કરશે તે બેઠક પરથી હું ચૂંટણી લડવાનો છું. તેમણે ભાજપ 150થી વધુ સીટો સાથે જીતશે તેવો દાવો પણ કર્યો હતો.