આત્મવિવાહ કરનારી ૨૪ વર્ષની ક્ષમા બિંદુ હાલ તો નવી દુલ્હન હોવાના અનુભવને જીવી રહી છે. સાથે જ પોતાની જાતને આપેલા બીજા વચનને પાળવા માટે તૈયાર છે. ક્ષમા બિંદુ પોતાની જાત સાથે સરસ મજાના હનીમૂન પર જશે. ગત મહિને પોતાની જાત સાથે લગ્ન કર્યા બાદ ચર્ચા અને વિવાદમાં રહેલી ક્ષમા મક્કમ નિર્ધાર સાથે પોતાના વચન તરફ આગળ વધી રહી છે.
ક્ષમાના લગ્નનો વિરોધ થયો પરંતુ તે ડગી નહીં અને આત્મવિવાહ કરનારી ભારતની પહેલી મહિલા બની ગઈ. હવે તે આવતા મહિને પોતાની જાેડે જ હનીમૂન પર જવાની છે. હનીમૂન માટે ક્ષમા બિંદુએ ગોવા પર પસંદગી ઉતારી છે.
આ વિશે વાત કરતાં તેણે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, “કોઈપણ દુલ્હનની જેમ હું પણ મારા હનીમૂન માટે ઉત્સાહિત છું. હું ગોવા જવા માટે ૭ ઓગસ્ટે રવાના થઈશ. મારી ખાસ ક્ષણ હું મારા મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરીશ.” ક્ષમા હનીમૂન મનાવવાની સાથે અહીં પોતાનો જન્મદિવસ પણ ઉજવશે. ૧૦ ઓગસ્ટે ક્ષમાનો બર્થ ડે છે ત્યારે તેણે વિસ્તૃત ટ્રાવેલ પ્લાન તૈયાર કરી લીધો છે અને કયા-કયા સ્થળોની મુલાકાત કરશે તે પણ નક્કી છે. હું અરમ્બોલ બીચ પર ઘણો સમય વિતાવવાની છું અને અહીં હું લોકોની વિચિત્ર નજરની ચિંતા કર્યા વિના બિકીની પહેરી શકીશ.
આ બીચ પર કેટલીય ઈવેન્ટ્સ થાય છે. આ બીચ મારા મનપસંદ પૈકીનો એક છે અને અહીં જવું મારું સપનું હતું. જાેકે, મને ખબર છે કે, મારા ‘જીવનસાથી’ અંગે મને ત્યાં કેટલાય સવાલો થશે પરંતુ એ બધાના જવાબ આપવા માટે હું તૈયાર છું”, તેમ ક્ષમાએ ઉમેર્યું. ક્ષમાએ આગળ કહ્યું, “હું મારા હનીમૂન પર જઈ રહી છું ત્યારે લોકોને ખબર પડશે જ કે હું પરણેલી છું એટલે તેઓ મારા પતિ વિશે પૂછશે. જેથી મને આત્મવિવાહ શું છે અને મેં મારી જાત સાથે શા માટે લગ્ન કર્યા તે સમજાવવાની મને તક મળશે. ક્ષમા બિંદુએ ૮ જૂને વડોદરામાં જ પોતાના નિવાસ્થાને આત્મવિવાહ કર્યા હતા. ક્ષમાએ આત્મવિવાહ કરવાની જાહેરાત કરી તે પછીના ત્રણ મહિના તેના માટે મુશ્કેલ રહ્યા હતા. કેટલાક પડકારો અને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જાેકે, આ બધાની ઉપરવટ જઈને લગ્ન કરનારી ક્ષમા પોતાના લગ્નજીવનને માણી રહી છે.