આ વખતે ગુજરાતની દરેક બેઠકની કોઈને કોઈ વિશેષતા છે. ત્યારે વાત કરીએ ભરૂચ અને અંકલેશ્વર બેઠકની તો ત્યાં દરેક પક્ષે ધનવાનોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી AAP અહીં દરેક પક્ષે કરોડપતિ ઉમેદવારોને જ મેદાનમાં ઉતાર્યા છે. જો કે ત્રણેય ઉમેદવાર ભણવામાં તો નબળા જ છે પણ પૈસામાં સબળા છે. વાત કરીએ ભાજપની તો વર્ષ 2002 માં ધારાસભ્ય રહી ચૂકેલા BJPના 60 વર્ષીય ઉમેદવાર રમેશ મિસ્ત્રી ધોરણ 11 પાસ છે. છૂટક કોન્ટ્રકટર છે. જેમની સામે બે પોલીસ કેસ થયેલા છે. આ વખતે રીટર્નમાં તેમની આવક રૂ. 2.17 લાખ અને પત્નીની રૂ. 5 લાખ બતાવી છે. તેમના પત્ની સસ્તા અનાજની દુકાનના સંચાલક છે. બન્ને પાસે સંયુક્ત 16 તોલા સોનું, 8 દુકાન, મકાન મળી કુલ રૂપિયા 1.96 કરોડની સંપત્તિ છે. જોકે એક પણ બેંક લોન કે દેવું નથી.
એ જ રીતે વાત કરીએ કોંગ્રેસના ઉમેદવારની તો: ખેતીની જમીનો સહિત રૂ. 3.88 કરોડની મિલકતો છે તો સાથે 8 લાખની બેંક લોન પણ છે. કોંગ્રેસના 59 વર્ષીય ઉમેદવાર જયકાંત પટેલ વિશે વાત કરીએ તો અંકલેશ્વરના માંડવા ગામમાં રહે છે. તેઓ ધોરણ 5 સુધી ભણેલા છે. ખેતી અને વેપાર કરે છે. પત્ની પાસે 20 તોલા સોનુ છે. ફાઇલ કરેલા રીટર્નમાં રૂપિયા 5.43 લાખની આવક આ વર્ષે બતાવી છે. તો વળી AAPના ઉમેદવાર પાસે રૂપિયા 1.39 કરોડની સંયુક્ત સંપત્તિ છે. આપના 63 વર્ષીય મનહર પરમાર સેલ્ફ બિઝનેસ કરે છે. તેમની પત્ની ખેડૂત અને ટ્રેડર છે. રીટર્ન ફાઇલમાં તેમની આવક રૂ. 4.84 લાખ અને પત્નીની 3.21 લાખ દર્શાવી છે. તેમની પાસે 14 લાખની કાર, મકાન, ખેતી જમીન, કુલ 30 તોલા સોનું સહિત પતિ-પત્નીના નામે રૂ. 1.39 કરોડની મિલકત છે. જ્યારે પત્નીની 5 લાખની ગોલ્ડ લોન અને તેમની 25 હજારની કાર લોનનું દેવું પણ જોવા મળી રહ્યું છે.
અંકલેશ્વર વિધાનસભા બેઠકના તમામ ઉમેદવાર કરોડપતિ, એક પણ અપક્ષ ઉમેદવાર નહીં, ત્રણે ઉમેદવાર શિક્ષિત છે. ભાજપના 4 ટર્મથી ધારાસભ્ય ઈશ્વર પટેલ પાસે રૂ.4.78 કરોડની મિલકત છે. કોંગ્રેસના વિજય પટેલની નાના ભાઈ કરતા અડધી સંપત્તિ છે. આપના યુવા ઉમદેવાર અંકુર પટેલ પણ 1.74 કરોડના આસામી છે. અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારની બેઠક ઉપર છેલ્લી 4 ટર્મથી BJP ના ઈશ્વર પટેલ જીત મેળવી રહ્યા છે. પાર્ટીએ આ વખતે પણ તેમને ટિકિટ આપી છે. BJP ની ટિકિટ મેળવનાર 57 વર્ષીય ઈશ્વર પટેલ બી.એ. LLB થયેલા છે. તેઓએ આ વખતે 17.85 લાખનું રીટર્ન ભર્યું છે. તેમનું અને તેમની પત્નીનું એફ.ડી., બેંક, શેર, એલઆઇસીમાં સારું એવું રોકાણ છે. કુલ 34 તોલા સંયુક્ત સોનુ છે. બે કાર , બે ટુ વ્હિલર, ખેતીની જમીન, રહેણાંક, પ્લોટ મળી ₹4.78 કરોડની કુલ સંયુક્ત સંપત્તિ. જ્યારે તેમના નામે 38.11 અને પત્નીના નામે 36.09 લાખની બેંક લોન રહેલી છે.
કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્યના જ સગા મોટા ભાઈ વિજય પટેલ 62 વર્ષના છે અને બી.એ. LDC નો અભ્યાસ કરેલો છે. તેઓએ આવક વેરા રીટર્નમાં 6 લાખની આવક દર્શાવી છે. પત્ની પાસે 25 તોલા સોનું છે. કૃષિની 14 એકર જમીન, રહેણાંક મકાન, પ્લોટ મળી સ્થાવર તેમજ જંગમ સંયુક્ત કુલ રૂપિયા 2.63 કરોડની સંપત્તિ. ખેતી સાથે કરાર આધારિત બેંક મેનેજરની નોકરી કરતા તેઓની 5.14 લાખની બેંક લોન ચાલે છે. અંકલેશ્વર બેઠક ઉપર આપે 32 વર્ષના અંકુર પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે 41 લાખની કાર, 14 તોલા સોનુ, મકાન મળી કુલ 1.74 કરોડની સ્થાવર અને જંગમ સંયુક્ત મિલકત છે. જ્યારે 20 લાખની બેંક લોન ચાલે છે.