ગુજરાતના વડગામના ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણીની આસામ પોલીસે બે દિવસ પહેલા ધરપકડ કરી હતી. આસામ પોલીસે આ સંદર્ભમાં નિવેદન આપતા કહ્યુ છે કે, લોકોની ધાર્મિક લાગણીઓને દુભાવવા બદલ ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સીએ પોલીસના સત્રોનો હવાલો આપીને કહ્યુ છે કે, મેવાણીએ પોતાના ટિ્વટમાં નાથૂરામ ગોડસેની તુલના ભગવાન સાથે કરી હતી.
આસામ પોલીસે બુધવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે બનાસકાંઠાના પાલનપુરમાં મેવાણીને અટકાયતમાં લીધા હતા. બાદમાં આસામની કોકરાઝાર પોલીસે ધરપકડને સમર્થન આપ્યુ હતુ. મેવાણી સામે ગુનાઈત કાવતરુ રચવાના, બે સમુદાય વચ્ચે દુશ્મનાવટ વધારવાના અને શાંતિનો ભંગ કરવાના ઈરાદે અપમાન કરવાના આરોપ મુકવામાં આવ્યા છે.
મેવાણીની ધરપકડ બાદ દેખાવો કરનાર આસામ કોંગ્રેસનુ કહેવુ છે કે, ગુજરાતમાં મેવાણીના પ્રભાવને નિષ્ફળ કરવા માટે તેમની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન આસામના સીએમ હેમંત બિસ્વા સરમાએ દાવો કર્યો હતો કે, મને તો જિગ્નેશ મેવાણી કોણ છે તે જ નથી ખબર.