ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ફરી એકવાર રાજ્યમા ભાજપની સરકાર બનવા જઈ રહી છે. વિજેતા ઉમેદવારોમા ખુશી અને હારેલાઓમા નિરાશાનો માહોલ છે. આ વચ્ચે ભાજપના એક હારેલા ઉમેદવારનુ ચોંકાવનારુ નિવેદન સામે આવ્યુ છે. આ સમાચાર બનાસકાંઠાની કાંકરેજથી સામે આવ્યા છે. આ બેઠક પરથી હારી ગયેલા ભાજપના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાએ પોતાની હારનું ઠીકરું પોતાના જ પક્ષના કેટલાક કાર્યકરો પર ફોડ્યું છે.
અહી ઋણ સ્વીકાર કાર્યક્રમ દરમિયાન કિર્તીસિંહે પોતાની હારનું ટોપલું પક્ષના જ કેટલાક કાર્યકરો પર ઢોળતા કહ્યુ કે કેટલાક કાર્યકરો કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે. આ સાથે જ તેમની આવી હરકતો ચલાવી નહીં લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. માહિતી મુજબ 2017માં આ જ બેઠક પરથી રાજ્ય સરકારમાં કિર્તીસિંહ મંત્રી રહી ચૂક્યા છે. હવે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર અમૃતજી ઠાકોરે વાઘેલાએ 5200 મતોથી તેમને મ્હાત આપી છે.