હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોંગી નેતા બોલી રહ્યા છે કે 2060માં પેટ્રોલ 60 રૂપિયે લિટર મળતું હતું. પ્રચાર દરમિયાન આણંદના બોરસદમાં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહની સ્ટેજ પરથી જીભ લપસી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ છે. ગુજરાતનો ગઢ જીતવા રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
હાલમાં દરેક પાર્ટી પ્રચાર દરમિયાન જોશમાં આવી જતા અનેક ઉમેદવારોના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં હવે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારનું પણ નામ ઉમેરાયું છે. થયું એવું કે આણંદ જિલ્લાના બોરસદના સિસ્વા ગામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રસિંહની જીભ લપસી હતી અને એણે ભાંગરો વાટ્યો હતો. તેમણે જાહેર સ્ટેજ ઉપરથી નિવેદન આપતા કહ્યું હતું કે, પેટ્રોલ 2060માં કેટલા રૂપિયે મળતું હતું? 2060 માં 60 રૂપિયે પેટ્રોલ મળતું હતું. જ્યારે ડીઝલ 46 રૂપિયે મળતું હતું.
જ્યારે આ વાક્ય સાંભળ્યું તો જે લોકો પણ સાંભળતા હતા એ સ્તબ્ધ થઈ ગયા. હવે બીજી પાર્ટીઓ નેતાજીનો વીડિયો વાયરલ કરીને મજા લઈ રહ્યા છે અને ટ્રોલ કરી રહ્યા છે.