બનાસકાંઠાના ડીસામાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલિભગતનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. જિલ્લાના સૌથી લાંબા એલિવેટેડી બ્રિજ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહનચાલકો અટવાઇ પડ્યા હતા. ડીસામાં હાઇવે પરનો ટ્રાફિક બારોબાર પસાર થઇ શકે તે માટે ગત વર્ષે ખુલ્લા મુકાયેલા સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ ઉપર ગત મોડી રાત્રે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
ડીસામાં ગત વર્ષે અંદાજે રૂપિયા 196 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શરૂઆતમાં વાહનચાલકો માટે આશિર્વાદરૂપ બનેલો આ પુલ હવે વરસાદમાં આફત બન્યો છે. ગત મોડી રાત્રે આ વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે સમગ્ર બ્રિજ ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઠીંચણસમા પાણીમાંથી વાહનચાલકોને પસાર થવાની ફરજ પડી હતી.
સામાન્ય વરસાદમાં પાણી ભરાતા બ્રિજની ડિઝાઇનને લઇને સવાલ સર્જાયા છે. ખામીયુક્ત ડિઝાઇનને કારણે વરસાદી પાણીનો નિકાલ થઇ શક્યો ન હતો. 3.750 કીમી લાંબા આ પુલ ઉપર વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નહીં હોવાનો આક્ષેપ પણ વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે.