કેનેડા-યુએસની બોર્ડર પર કલોલના ડિંગુચા ગામના એક પાટીદાર પરિવારના 4 સભ્યનાં મોત થયા હોવાની ઘટના હાલ ચર્ચામા છે. આ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ અને જે બાદ તેનો વળતો જવાબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો છે.
આ કેનેડા મામલે નીતિન પટેલે કહ્યું કે બીજું બધું નહીં બોલું, અહીં મીડિયા છે. ચાર ભાઈ-બહેન -40 ડીગ્રીમાં કેનેડા બોર્ડર પર મોતને ભેટ્યા, આ કરુણ બનાવ કેમ બન્યો? કારણ કે અહી તકો નથી.આવી દુઃખદ ઘટના ન બને એ માટે આગોતરી વ્યવસ્થા કરવી જોઈએ.
આ બાદ હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે ગુજરાતમાં સૌથી વધુ તકો છે. આગળ વાત કરતા તેમણે કહ્યુ કે દેશભરના યુવાનોને કોઈ રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું હોય તો તે ગુજરાત છે અને જે લોકો રાજ્યના નાગરિકોને ગેરમાર્ગે દોરે છે, બે નંબરી રીતે બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને હુ ચેતવણી આપું છું. કેન્દ્ર સરકાર દ્વારા અટલ ઇનોવેશન મિશન, સ્ટાર્ટઅપ મિશનથી પ્લેટફોર્મ મળી રહ્યુ છે. આ છતા પણ આમાં પણ કોઈ ફેરફાર કરવા હોય તો એ સૂચનો આવકાર્ય છે.
આ સાથે તેમણે માહિતી આપી હતી કે આવનારા દિવસોમાં આ દિશામા મોટી કામગીરી થશે અને હાલ પોલીસ દ્વારા પણ આવા એજન્ટો પર કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આવનારા સમયમાં ગુજરાત પોલીસ આપશે.
નીતિન પટેલના નિવેદનનો જવાબ આપતા હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે રાજ્યમાં 1995થી ભાજપની સત્તા છે અને નીતિનભાઈ 20 વર્ષ સુધી મંત્રી તરીકે કામ કરી ચુકયા છે. તેમણે સરદારધામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં અહીં તક ન મળતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.
બીજી તરફ નીતિન પટેલે કહ્યું હતું કે લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જાય છે. શા માટે જાય છે? કારણ કે અહીં તેઓને યોગ્ય તક નથી મળી રહી. અહીં મહેનત પછી પણ યોગ્ય સ્થાન મળતું નથી અને એટલે મોટી રકમનો ખર્ચ કરી, જોખમો લઈને અમેરિકા જઈ રહ્યા છે. ત્યાં કોઈ ચિંતા નથી. ખાલી આ બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે.