નડિયાદ: રાજ્યમાં ચૂંટણીઓના પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે.ત્યારે ઠાસરા વિધાનસભા બેઠક ઉપર પણ કોંગ્રેસ દ્વારા ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે મિટિંગ યોજીને શરૂઆત કરવામાં આવી હતી.રાજકીય વિશ્લેષકોના મત મુજબ અંબાવથી બેઠક શરૂ કરીને કોંગી ધારાસભ્ય દ્વારા ભાજપ સામે આક્રમક વ્યૂહ અપનાવ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે.
કારણ કે ગળતેશ્વર તાલુકા ભાજપ પ્રમુખના ગઢમાં શરૂઆત કરીને કોંગ્રેસે ગાબડું પાડવાની કોશિષ કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ઠાસરા વિધાનસભા બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય સહિત આગેવાનોની હાજરીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે બેઠક યોજીને આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુ મત સાથે બેઠક જાળવી રાખવા દ્રઢ નિર્ણય કર્યો હતો.ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં ભાજપની કામગીરીની નિષ્ફળતા મતદારો સુધી પહોંચાડવા પ્રયાસો કરવામાં આવશે.
સાથે સાથે કોંગી ધારાસભ્ય દ્વારા પોતાના મત વિસ્તારમાં કરેલા કામોને આગળ ધરીને બંને તાલુકાના વધુ વિકાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગળતેશ્વર તાલુકા ભાજપ પ્રમુખના ગઢમાં પ્રથમ બેઠક શરૂ કરીને કોંગ્રેસ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે.ત્યારે આગામી સમયમાં વધુ રાજકીય મેળાવડા યોજાશે તેમાં કોઈ બેમત નથી.