ચૂંટણી નજીક આવતા જ નેતાઓના નિવેદનો વાયરલ થવા લાગે છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલાનું એક નિવેદન સામે આવ્યા બાદ ભાજપે મોરચો ખોલ્યો છે. ભાજપે કહ્યું કે, શંકરસિંહ વાઘેલાએ ભગવાનનું અપમાન કર્યું છે. શંકરસિંહે હવે રામ મંદિરને લઈને નવો વિવાદ છેડ્યો છે. તો આવો જાણીએ કે શું છે આ નવો વિવાદ…
બાપુએ વાત કરી કે રામ ટેન્ટમાં રહે કે મંદિરમાં તેનાથી કોઈ ફરક પડતો નથી. ભાજપ મંદિરને લઈને માર્કેટિંગ કરી રહી છે. ફરક એ વાતથી પડે છે કે ગરીબોને ભોજન અને રોજગાર મળે છે કે નહીં? આ બધા મુદ્દા મહત્વના છે. જ્યારે રામ મંદિર નહોતું ત્યારે કોઈને શું ફરક પડ્યો અને હવે બની જશે તો પણ શું ફરક પડવાનો છે? જ્યારે બાપુને એવું પૂછવામાં આવ્યું કે આ મંદિર બની જશે તો લોકેને રોજગાર મળશે, ટૂરિઝમ વધશે.
આ બધા પ્રશ્નોના જવાબમાં વાઘેલાએ કહ્યું કે, સરદાર પટેલની આટલી ઉંચી પ્રતિમા બનાવવામાં આવી, ત્યાંના આદિવાસીઓ બરબાદ થઈ ગયા. સામાન્ય માણસને આ બધી બાબતોથી કોઈ ફરક પડતો નથી. મંદિર બન્યું નહોતું તો શું લોકો અયોધ્યા નહોતા જતા? તમે ટેન્ટમાં ભગવાન રામને જોતા હતા, ત્યારે શું ફરક પડતો હતો, ભગવાન રામને તો જોતા હતા ને! ભગવાન ટેન્ટમાં રહે કે મંદિરમાં રહે, શું ફરક પડે છે? શું તેઓ રહેવા માટે આવવાના છે? તેના પર જ્યારે શંકરસિંહને પૂછવામાં આવ્યું કે તમે પણ આટલું મોટું ઘર બનાવ્યું છે, નાનું મકાન બનાવીને તેમાં રહો તો શું ફરક પડે? આના પર શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, આ મેં માર્કિટિંગ માટે નથી બનાવ્યું, તેમણે રામ મંદિર માત્ર માર્કેટિંગ માટે બનાવ્યું છે. ત્યારે હવે આવી વાતથી લોકો અને ભાજપ પાર્ટી બન્નેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.