અરવિંદ કેજરીવાલે ચલણી નોટમાં લક્ષ્મીના ફોટાની માંગ કર્યા બાદ આ મુદ્દો ચારેતરફ ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ મામલે સી.આર.પાટીલનુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કેજરીવાલ પર પ્રહાર કરતા પાટણથી કહ્યુ કે દિલ્લી અને પંજાબના કાર્યાલયમાંથી ગાંધીજીની તસવીર હટાવી દેવામાં આવી છે અને ગાંધીજીનો ફોટો ચલણ પરર્થી હટાવી દેવામા ન આવે તે અંગે સાવચેત રહેવાની જરૂર છે.
કેજરીવાલે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું કેન્દ્ર સરકાર અને પીએમને અપીલ કરું છું કે ભારતીય ચલણની એક તરફ મહાત્મા ગાંધીની તસવીર છે, તેને જેમ છે તેમ રહેવા દો, પરંતુ બીજી બાજુ ભગવાનની તસવીર ગણેશજી અને માતા લક્ષ્મીને મૂકવું જોઈએ. તેમણે કહ્યું કે આનાથી દેશની પડી રહેલી અર્થવ્યવસ્થાને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ મળશે. નોટો પર લક્ષ્મી ગણેશનો ફોટો લગાવવાથી દેશને તેમના આશીર્વાદ મળશે. આ માટે તેઓ કેન્દ્ર સરકાર અને પીએમ મોદીને પત્ર પણ લખશે.
આ સાથે કેજરીવાલે કહ્યુ કે ઇન્ડોનેશિયામાં 85% વસ્તી મુસ્લિમ અને 2% લોકો જ હિંદુ છે, છતાં તેઓએ ગણેશજીની તસવીર ચલણ પર લગાવી છે. દિવાળીના દિવસે લક્ષ્મીજી-ગણેશજીની પૂજા કરતી વખતે મને આ વિચાર આવ્યો. આમ કરવાથી ભગવાનના આશીર્વાદ મળશે. લક્ષ્મીજી ઐશ્વર્ય અને સમૃદ્ધિના દેવી છે અને જો ઇન્ડોનેશિયા કરી શકે તો ભારતમા પણ આવુ કેમ નહીં?