ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની પાલનપુર અને ડીસા ખાતે નવનિર્મિત કચેરીનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના મકાન રૂ. ૧૬૪.૩૨ લાખના ખર્ચે તથા ડીસા વિભાગીય કચેરી- ૧ અને ૨, લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગના રૂ. ૪૮૬.૧૩ લાખના ખર્ચે તૈયાર થઇ છે.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીજ સંકટના નિવારણ માટે નાંખેલા પાયાના પરિણામે આજે વીજ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય છે. સોલાર, વિન્ડ પાવર અને રૂફ ટોપ યોજનાથી વીજ પ્રશ્ન સૉલ્વ કરવામાં સફળતા મળી છે. તેમણે કહ્યું કે સોલાર રૂફટોપ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં ૮૦ ટકા કામગીરી સાથે પ્રથમસ્થાને છે.
તેમણે કહ્યું કે આ વખતે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે કે ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં એક પણ વીજ કનેકશન બાકી નહીં રહે. તેમણે કહ્યું કે ગ્રાહકોની સુવિધા માટે અદ્યતન કચેરીઓ અને ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અદ્યતન કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ કચેરી દ્વારા મોર્ડન ટેકનોલોજીના માધ્યમથી લોકોને સારી સુવિધા પ્રાપ્ત થશે તથા કૃષિ અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લાના વિકાસમાં ખુબ ઉપયોગી સાબિત થશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વીજ કટોકટીના સમયમાં ખેડૂતોને પુરતી વીજળી આપીને ખેડુતોના પાક બચાવ્યા છે જે બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇનો આભાર વ્યક્ત કરું છું.
તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નેચરલ એનર્જીનો વિકલ્પ આપીને ગુજરાતને વીજ ક્ષેત્રે સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. મંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં અંધારા ઉલેચી અજવાળાં પાથરવાનું કામ કર્યું છે. આ પ્રસંગે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે ભૂતકાળમાં સમગ્ર રાજ્યમાં અંધારપટ્ટ હતો આજે સમગ્ર રાજ્યમાં જ્યોતિગ્રામ યોજનાથી ચોવીસ કલાક વીજળી મળે છે.
તેમણે કહ્યું કે રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ- ૨૦૨૧-૨૨ દરમ્યાન પાલનપુર વર્તુળ કચેરીના વિસ્તારમાં ૭,૦૭૦ નવિન ખેતી વિષયક વીજ જોડાણો રૂ. ૧૨,૭૯૩ લાખના ખર્ચે આપવામાં આવ્યા છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં ૬,૪૮૯ નવિન ખેતીવાડી વીજ જોડાણો રૂ. ૧૧,૪૮૪ લાખના ખર્ચે આપવામાં આવ્યા છે.ડીસાના ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડયાએ જણાવ્યું કે આ સરકારે ડીસાના વિકાસ માટે ખુબ આપ્યું છે.
ખેતી વિષયક વીજ જોડાણો, સોલાર રૂફટોપ યોજના, સરદાર કૃષિ જ્યોતિ યોજના હેઠળ જુના અને જર્જરીત વીજ વાયરો બદલવા સહિત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વીજ કનેકશનો આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લો રાજ્યની ઉત્તર સરહદે આવેલો છેવાડાનો જિલ્લો છે કે જે રાજસ્થાનની સરહદ સાથે તેમજ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે. કુલ- ૧૨૩૭ ગામો અને ૬ શહેરી વિસ્તાર ધરાવતી પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ૧૭૫ સબ સ્ટેશનમાંથી કુલ- ૧૯૮૯ ફીડરો દ્વારા અને ૧,૩૫,૬૧૯ ટ્રાન્સફોર્મર સેન્ટર દ્વારા કુલ- ૯,૩૭,૫૮૯ જેટલા વીજ ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કુલ-૧,૫૪,૪૬૨ જેટલાં ખેતીવાડી વીજ જોડાણો કાર્યરત છે જે જિલ્લાના કુલ વપરાશનો ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, પૂર્વ મંત્રીશ્રીઓ સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી હરજીવનભાઇ પટેલ અને શ્રી કાંતિભાઇ કચોરીયા, અગ્રણીશ્રી ગુમાનસિંહ ચાૈહાણ, કલેક્ટરશ્રી આનંદ પટેલ, UGVCLના એમ.ડી.શ્રી પ્રભવ જોષી, મુખ્ય ઇજનેરશ્રી એલ.એ.ગઢવી, અધિક્ષક ઇજનેરશ્રી આઇ.જી.કટારા સહિત અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.