ગાયને થતા લમ્પી વાઈરસની ચર્ચા આજકાલ ન માત્ર ગુજરાત કે ભારત, પણ આખા વિશ્વમાં કરવામાં આવી રહી છે. કારણ કે જે રીતે આ વાયરસ ફેલાઈ રહ્યો છે અને પશુઓના મોત થઈ રહ્યા છે. હાલમાં જ સમાચાર સામે આવી રહ્યા છે કે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જામનગરના કાલાવડ શહેરમાં લમ્પી વાયરસથી અનેક ગાયોના મોત થયા છે. તંત્રની ઢીલી નીતિના કારણે શહેરમાં આવેલી ટોડા સોસાયટી પાસે ગાયોની લાશોના ઢગલા જોતાં જ લોકો હાફડા ફાફડા થઈ ગયા છે.
કોઈ આ લાશને ઉઠાવવા પણ નથી આવતા. એટલી દુર્ગંધ ફેલાઈ છે કે આસપાસ વિસ્તારના રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક જિલ્લામાં હાલ પશુઓમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. વાયરસથી અનેક પશુઓના ટપોટપ મોત પણ થઈ રહ્યા છે. ત્યારે કાલાવડ શહેરમાં પણ લમ્પી વાયરસથી અનેક ગાયોના મોતનો મામલો સામે આવ્યો છે. આ ગાયોની દફનવિધિ કરવામાં ન આવતા લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે.
અત્યારે પરિસ્થિતિનો આલમ એ છે કે બે ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં ગાયોની લાશોના ઢગલા એમ જ ત્યા પડ્યા છે. જેથી દુર્ગંધ ફેલાતા આસપાસના રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો નગરપાલિકાના પ્રમુખ અજમલ ગઢવીને રજૂઆત કરવા પણ ગયા હતા. જોકે, પાલિકા પ્રમુખે પણ જવાબ આપ્યો એ પણ ઉડાવ. રજૂઆત કરવા ગયેલા સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, શું નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર લમ્પી રોગ વધુ ફેલાય તેની રાહ જોઈ રહ્યા છે કે શું? આ વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા દફનવિધિ કરવામાં ન આવતા ગાયોની લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે.