Gujarat News: આજે વહેલી સવારે બનાસકાંઠામાંથી એક સમાચાર સામે આવ્યા છે કે ત્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠામાં 4.6ની તિવ્રતાનો ભુકંપ ( earthquake ) આવ્યો છે. આજે વહેલી સવારે 4.36 કલાકે નોંધાયો હોવાનું કહેવામાં આવ્યું છે. લોકોની ઉંઘ પણ ખરાબ થઈ અને ઘરની બહાર ભાગી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 104 કિમી દૂર નોંધાયુ છે. તેમજ રાજસ્થાનના ઝાલોર પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ છે. તો વળી ગઈ કાલે રાત્રે 9.34 કલાકે દિલ્હી-એનસીઆરથી લઈને કાશ્મીર સુધી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
અફઘાનિસ્તાનનું હિન્દુકુશ ભૂકંપનું કેન્દ્ર હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર, પેશાવર વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. જો કે, હજુ સુધી ક્યાંયથી પણ કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી સામે આવી નથી.