મિનેશ પટેલ ( પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ): અમદાવાદના વાંચ ગામના ખેડૂત અમિતભાઈ શાહે બાગાયતી પાકોના કોમર્શિયલાઈઝેશનમાં નવો ચીલો ચાતર્યો છે. ફાલસાની ખેતી અને તેના મૂલ્યવર્ધન થકી ફાલસાનો પલ્પ બનાવીને તેઓ સીઝનમાં ૧૨-૧૩ લાખની અધધ આવક મેળવી રહ્યા છે. તમામ ખર્ચાઓ બાદ કરતા પણ અમિતભાઈ ફાલસાના પાકની એક મહિનાની ટૂંકી સીઝનમાં ૮ લાખ જેટલો ચોખ્ખો નફો મેળવે છે.
અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાનું વાંચ ગામ મુખ્યત્વે ફટાકડાના કારખાનાઓ માટે જાણીતું છે. ફટાકડા બાદ ફાલસાની બાગાયતી ખેતી આ ગામની નવી ઓળખ બની રહી છે. ગામમાં મોટાપાયે થતાં ફાલસાના વાવેતર અને ઉત્પાદને વાંચ ગામને નવી ઓળખ આપી છે.
વ્યવસાયે પ્રિન્ટિંગ પ્રેસના કારોબાર સાથે સંકળાયેલા વાંચના ખેડૂત અમિતભાઈ બાગાયતી ખેતી સાથે પણ દિલથી જોડાયેલા છે. પોતાની ૪.૨૫ વીઘા જમીન ઉપરાંત ભાડા પેટે અન્ય ૫ વીઘા જમીન મેળવીને કુલ ૯ વીઘા જેટલી જમીનમાં તેઓ ખેતી કરે છે. જેમાં ૫ વીઘામાં ફાલસાનું વાવેતર કર્યું છે.
અમિતભાઈ જણાવે છે, “જે ફાલસાના બજારમાં કિલોના ૧૫૦ રૂપિયા મળે છે, એ જ ફાલસાનો પલ્પ બનાવીને બજારમાં વેચીએ તો તેના ત્રણ ગણા ભાવ મળે છે. બાગાયત ખાતાની ૧ લાખની સહાય મેળવીને મેં આ વર્ષે પ્રોસેસિંગ યુનિટ સ્થાપ્યું છે. ભૂતકાળમાં આમળા અને પપૈયાના પાકોના વાવેતર માટે પણ સહાય મેળવેલી છે. વેલ્યુ એડિશન થકી સાદી ખેતી કરતા ખેડૂતમાંથી હવે હું મૂલ્યવર્ધન કરતો ખેડૂત બન્યો છું. આજે ‘ફાર્મ ફ્રેશ’ બ્રાન્ડ નેમથી પલ્પ વેચું છું. હોલસેલ અને રિટેલમાં રેસ્ટોરન્ટ, વેપારીઓ તથા હાઉસહોલ્ડને વેચાણ કરું છું. તમામ ખર્ચાઓ બાદ કરતા પાંચ વીઘાના પાકમાંથી આશરે આઠેક લાખનો ચોખ્ખો નફો મળી રહે છે.”
અમિતભાઈના જણાવ્યા અનુસાર ફાલસાની સમગ્ર સીઝન એક મહિના જેટલી જ હોય છે. ડિસેમ્બર માસમાં કાપણી કર્યા બાદ એપ્રિલના પ્રથમ અઠવાડિયા આસપાસ ફાલ આવવાનું શરૂ થાય છે. આ વર્ષે તેમને ૬૦૦૦ કિલો જેટલા ફાલસાનું ઉત્પાદન મળવાનો અંદાજ છે. જેમાંથી ૩૦૦૦ કિલો તેઓ બજારમાં વેચશે અને બાકીના ૩૦૦૦ કિલો ફાલસામાંથી પલ્પ બનાવશે. ૩૦૦૦ કિલો ફાલસામાંથી ૨૦૦૦ કિલો જેટલો પલ્પ બનશે.
૨૦૦૦ કિલો પલ્પની આવક ૯ લાખ જેટલી અને ૩૦૦૦ કિલો ફાલસાની સીધા વેચાણની આવક ૪ લાખ જેટલી મળવાનો અંદાજ છે. ૧૩ લાખની અંદાજીત કુલ આવકમાંથી કોલ્ડ સ્ટોરેજના ભાડા સહિતના તમામ નાના મોટા ખર્ચાઓ મેળવીને કુલ ખર્ચ ૪થી ૫ લાખ જેટલો રહેશે. આમ, એક મહિનાની સીઝનમાં અમિતભાઈ ૮ લાખ જેટલો ચોખ્ખો નફો મેળવશે. ફાલસાના ફળની આવરદા ઓછી હોવાથી તેને ઓછા તાપમાને સ્ટોર કરીને રાખવા પડે છે.
અમદાવાદના ઇન્ચાર્જ નાયબ બાગાયત નિયામક શ્રી જયદેવ પરમાર જણાવે છે કે અમદાવાદ જિલ્લાના ખેડૂતો બાગાયતી પાકોના કોમર્શિયલાઈઝેશન અને મૂલ્યવર્ધન ક્ષેત્રે ખૂબ જ રસ દાખવી રહ્યા છે. બાગાયતી ખેતી અને પાકોના મૂલ્યવર્ધનમાં અવનવા પ્રયોગો થકી ખેડૂતો સફળતા મેળવી રહ્યા છે. જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા વિવિધ ૪૭ જેટલા ઘટકોમાં વિવિધ યોજનાકીય સહાયોના લાભ આપવામાં આવે છે.
ફાલસાનું પ્રોસેસિંગ
– અમિતભાઈ ફક્ત ખાંડ અને મીઠાનો ઉપયોગ કરીને પલ્પ બનાવે છે. જેમાં કોઇ પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતા નથી.
– વીણીને લેવાયેલા ફાલસાના ફળોનું મીઠાના પાણીમાં વોશિંગ કર્યા બાદ તેનું પલ્પિંગ કરીને પલ્પ બનાવાય છે. પલ્પમાં સુગર અને મીઠું ભેળવીને ફાઈનલ પ્રોડક્ટનું પેકિંગ કરવામાં આવે છે.
ફાલસાના આરોગ્ય સંબધિત ફાયદા
– સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં અવ્વલ હોવાથી અને પ્રકૃતિમાં ઠંડા હોવાથી ઉનાળામાં ફાલસાની ખૂબ જ ડિમાન્ડ રહેતી હોય છે.
– કાર્બોહાઈડ્રેટ્સ, વિટામીન અને ફાઇબરથી ભરપૂર ‘નેચરલ કૂલિંગ એજન્ટ’ તરીકે ઓળખાતા ફાલસા હિટ સ્ટ્રોક સામે રક્ષણ આપવા ઉપરાંત બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા સહિત હાયપરટેન્શન અને એનેમિયા જેવા રોગોમાં પણ ઉપયોગી સાબિત થાય છે.
– ફાલસાના પલ્પ, શરબત, શોટ્સ સહિત અન્ય ઘણી રીતે લોકો ઉનાળામાં ફાલસાની મજા માણતા હોય છે