ગુજરાત યુનિવર્સિટીની એપ્રિલ ૨૦૨૨માં લેવામાં આવેલી જર્નલિઝમ અને માસ કમ્યૂનિકેશનના સ્નાતક અભ્યાસક્રમ (બીએજેએમસી)ની પ્રથમ બેચની પરીક્ષામાં ટોચના ૧૦માંથી ૮ ક્રમે ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસ ખાતેની ઈન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યૂનિકેશન (અઈજેસી)નાં વિદ્યાર્થીઓ આવતાં તેમણે સંસ્થાનું નામ રોશન કર્યું છે. ઉજ્જૈનની પ્રાર્થના મહેતા યુનિવર્સિટીમાં પહેલા ક્રમે, નાગપુરનો અક્ષય આચાર્ય બીજા ક્રમે, ભૂજની વૈદેહી ભીંડે ત્રીજા ક્રમે અને અમદાવાદની આહના પટેલ ચોથા ક્રમે આવી છે.
વધુ ગર્વની વાત એ છે કે આઈજેસીનાં જે આઠ વિદ્યાર્થી પહેલા દસમાં આવ્યાં તેમાં સાત વિદ્યાર્થીનીઓનો સમાવેશ છે. યુનિવર્સિટીએ બાહ્ય પરીક્ષાના કુલ ૮૪૦ ગુણમાંથી સૌથી વધુ ગુણ મેળવીને ટોચનાં દસ વિદ્યાર્થીનાં નામ જાહેર કર્યાં છે તેમાં અઈજેસીનાં આઠ વિદ્યાર્થી અને તેમણે મેળવેલો ક્રમ, ગુણ અને ટકા આ મુજબ છે: ૧. પ્રાર્થના કુશ મહેતા ૭૧૪ (૮૫ %), ૨.અક્ષય ધર્મેન્દ્ર આચાર્ય ૭૦૮ (૮૪.૨૯%), ૩. વૈદેહી ચંદ્રકાંત ભીંડે ૬૯૦ (૮૨.૧૪%), ૪.
આહના ઉન્મેશ પટેલ ૬૭૬ (૮૦.૪૮%), ૫.ખુશી નાનક કૃપલાની ૬૫૯ (૭૮.૪૫%), ૭. ખુશી જીત શાહ ૬૪૫ (૭૬.૭૯%), ૮.દ્રષ્ટિ હરેશકુમાર પંડ્યા ૬૪૪ (૭૬.૬૭%) અને ૯. દ્રષ્ટિ મુકેશકુમાર પટેલ ૬૪૩ ( ૭૬.૫૫%). યુનિવર્સિટીમાં બીએજેએમસીનાં પહેલાં ૫૦ વિદ્યાર્થીમાં અઈજેસીનાં ૧૭ વિદ્યાર્થી ડિસ્ટિંક્શન સાથે ફર્સ્ટ ક્લાસમાં આવ્યાં અને બીજાં ૯ વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસમાં ઉત્તીર્ણ થયાં હતાં.
આઈજેસીની સંચાલક સંસ્થા સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટનાં ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી સિદ્ધાર્થ સી.પટેલે યુનિવર્સિટીમાં પહેલા દસમાંથી આઠ ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત અઈજેસીમાંથી નીકળતી સ્નાતકોની પ્રથમ બેચ તથા અધ્યાપકમંડળને અભિનંદન પાઠવ્યાં હતાં. આઇજેસીના નિયામક ડૉ.હરિ દેસાઈએ પણ યુનિવર્સિટીમાં ટોચના ક્રમે આવીને અને તેજસ્વી દેખાવ કરીને સંસ્થાનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદનસહ શુભેચ્છા પાઠવી હતી.