તમે બોગસ ડ્રિગીના ડોક્ટરો તો ઘણા જોયા હશે પણ આખું દવાખાનું ખોલીને બેઠો હોય એવો ડોક્ટર કદાચ નહીં જોયો હોય. પરંતુ હાલમાં પાટણનો આ કિસ્સો ભારે ચર્ચામાં આવ્યો છે. દોઢ વર્ષથી આ ભાઈ બોગસ દવાખાનું ચલાવતા હતા અને હવે આખરે તેનો પર્દાફાશ થયો છે. વાત એવી છે કે પાટણ શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડોકટરની ડિગ્રીના ઓથા હેઠળ આઇસીયુ લેવલની પ્રેકટીસ કરતા ડોકટરની ડિગ્રી બોગસ નીકળી છે અને આજે પાટણ આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત પોલીસ કાફલાએ ડોકટરની હોસ્પિટલનું પંચનામું કરી ફરીયાદના આધારે કડક તપાસ કરી છે.
મળતી માહિતી પ્રમાણે ડોકટર યોગેશ પટેલ દ્વારા બીજાના નામની એમબીબીએસ ડિગ્રીના રજીસ્ટ્રેશન નંબરનો ખોટો ઉપયોગ કર્યો અને એમ.ડી.અને એમબીબીએસ ડોકટર તરીકે છેલ્લા દોઢ વર્ષથી પોતાની હોસ્પિટલમાં આઇસીયુ લેવલ સુધીની પ્રેક્ટીસ કરતો ઝડપાયો છે. હવે તેના આવું કરવું ભારે આકરું લાગ્યું છે. કારણ કે મેડીકલ કાઉન્સીલ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગ દ્વારા તેની ડિગ્રીના નામમાં વિસંગતતા ખબર પડી ગઈ છે અને સર્ચ તપાસ હાથ ધરવામાં આવી છે.
આખરે હવે યોગેશ પટેલની ડિગ્રી બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો છે. ત્યારે જીલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અનુસાર તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા તેની પૂર્ણ તપાસ કરી તેની સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવામાં આવી છે. ફરીયાદને અનુસંધાને તાલુકા હેલ્થ ઓફીસર અલ્પેશ કુમાર સહિત પોલીસ કાફલાએ હોસ્પિટલના વિભાગોનું પંચનામું કર્યું.
વિગતો એવી પણ મળી રહી છે કે આ ફરીયાદ મામલે તાલુકા હેલ્થ ઓફીસરે જણાવ્યું હતું કે ગુજરાત કાઉન્સીલ ઓફ મેડીકલ દ્વારા ડિગ્રીની ખરાઈ કરતા તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું. હવે આ હોસ્પિટલનું પંચનામું કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડોક્ટર સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી પણ ખાતરી આપવામાં આવી છે.