રવિવારના રોજ આખા રાજ્યમાં સૌથી વધારે ગરમી અમદાવાદ શહેરમાં નોંધાઈ હતી. શહેરમાં રવિવારના રોજ ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. ત્યારપછી બીજા ક્રમાંકે ૪૩.૫ ડિગ્રી સાથે કંડલા અને ત્રીજા ક્રમાંકે ૪૩ ડિગ્રી સાથે રાજકોટમાં ગરમી નોંધાઈ હતી. રાજ્યભરમાં લોકો કાળઝાળ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ(આઈએમડી)ની આગાહી અનુસાર, સોમવારના રોજ મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન વિભાગની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવનારા ત્રણ-ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે.
નોંધનીય છે કે ૩૦મી એપ્રિલના રોજ હવામાન વિભાગ દ્વારા મે મહિનાનું નેશનલ ફોરકાસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતું, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતના પશ્ચિમમધ્ય અને ઉત્તરપશ્ચિમ વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે હોઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા નકશા અનુસાર, ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારો તેમજ દક્ષિણ રાજસ્થાનમાં તાપમાન ઘણું વધારે રહેશે જ્યારે ગુજરાતના બાકીના ક્ષેત્રમાં સામાન્ય કરતા થોડું વધારે હશે.
આઈએમડીની આગાહી અનુસાર, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા થોડું વધારે જાેવા મળી શકે છે. મે મહિના માટે આ આગાહી મહત્ની માનવામાં આવે છે કારણકે, ગુજરાત અને ખાસકરીને અમદાવાદમાં એપ્રિલ મહિનામાં પાછલા થોડા વર્ષોની સરખામણીમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે. અમદાવાદ શહેરની જ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં અહીં પાછલ એક દશકામાં સૌથી વધારે ગરમીનો પારો નોંધાયો હતો. ત્યારપછી કંડલામાં પણ તાપમાન રેકોર્ડબ્રેક રહ્યુ હતું.
ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને કામ વગર બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. લૂ લાગવાના કેસ પણ વધી રહ્યા છે. તબીબો સલાહ આપે છે કે, પ્રવાહીનું સેવન વધારે કરવું જાેઈએ. શરીરમાં પાણી ઓછું ન થઈ જાય તે સુનિશ્ચિત કરવું જાેઈએ.