મોરબીના બ્રિજ અકસ્માતમાં મૃતકોના સ્વજનો અને ઘાયલોને મળવા માટે PM નરેન્દ્ર મોદીની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા ખર્ચાયા હતા? હકીકતમાં, તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેએ 1 ડિસેમ્બરના રોજ એક ટ્વિટમાં કેટલાક ગુજરાતી અખબારોની ક્લિપિંગ્સ ટાંકીને દાવો કર્યો હતો કે પીએમ મોદીની થોડા કલાકોની મુલાકાતનો કુલ ખર્ચ 30 કરોડ રૂપિયા હતો.
સાકેતે RTI હેઠળ દાવો કર્યો હતો કે PM મોદીની મોરબી મુલાકાત દરમિયાન સ્વાગત, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી માટે રૂ. 5.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમણે લખ્યું કે સરકારે આ અકસ્માતમાં માર્યા ગયેલા 135 લોકોના પરિવારને 4 લાખનું વળતર આપ્યું, જે 5 કરોડ હતું. તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટનો ખર્ચ 135 લોકોના નજીકના સંબંધીઓને આપવામાં આવેલા વળતર કરતા વધુ હતો.
PM મોદી 30 ઓક્ટોબરે મોરબી બ્રિજ અકસ્માતના પરિજનોને મળ્યા હતા. આ મુલાકાતને લઈને તૃણમૂલ નેતાએ એક RTIને ટાંકીને દાવો કર્યો હતો કે આ પ્રવાસ પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
PIB ફેક્ટ ચેક ટીમે તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેતના દાવાને ખોટો ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વિટ કરીને લખ્યું છે કે એક આરટીઆઈને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીની મોરબીની મુલાકાતનો ખર્ચ 30 કરોડ રૂપિયા છે. આ દાવો તદ્દન ખોટો છે. આવી કોઈ RTI નો જવાબ આપવામાં આવ્યો નથી.