ગુજરાત વિધાનસભામાં આ વખતનું બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે સરકારના કેટલાક અધિકારીઓએ રાતે ઉજાગરા કર્યા, પણ અંતે એના અરમાન અધૂરા રહી ગયા છે. બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સચિવકક્ષાના અધિકારીઓએ તેમની ટીમ સાથે મોડી રાત સુધી ઉજાગરા કરીને IFMS-2 નામના સોફ્ટવેર મારફત તનતોડ મહેનત કરી હતી, જેમાં બજેટલક્ષી કેટલીક ઝીણી ઝીણી બાબતો કેટલાક વિભાગોમાંથી સમયસર અને વ્યવસ્થિત ના આવતાં સંપૂર્ણ બજેટને સોફ્ટવેરમાં સમાવવામાં મોડું થઈ ગયું હતું. પરિણામે, ફરી એકવાર ગુજરાતનું બજેટ ઓનલાઈન રજૂ કરવામાં સરકાર ઊણી ઊતરી ગઈ છે.
ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારૂ બજેટ રહેશે.નવા વર્ષના બજેટનો ધ્યેય ગુજરાતના વિકાસને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે. આ બજેટમાં બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.બજેટ પૂર્ણ થયા પહેલાં જો કોઈ મીડિયા માહિતી આપશે તો ઔચિત્યભંગનો ગુનો ગણાશે. પહેલીવાર નાણાં વિભાગે આ પ્રકારનો આદેશ કર્યો છે.
ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુ દેસાઇ બજેટ કરવાની શરૂઆત કરતા પહેલા જ તેમણે મહિલા અધ્યક્ષને શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. કોરોનામાં વિનામૂલ્યે રસી આપીને લોકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું. પીએ મોદીના નેતૃત્વમાં દેશ પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર થવા તરફ આગળ વધી રહ્યો છે.
ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરતા ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આગામી સમયગાળામાં રવી તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ખેડૂતોની
આવક વધારવા માટે સરકાર સક્રીય હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે,ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓની જોગવાઈ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કૂપોષણના નિવારણ માટે સગર્ભા અને ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી વિનામૂલ્યે દર મહિને એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક કિલો ખાદ્ય તેલ આપશે. જેના માટે રૂ.4000 કરોડની ફાળવણી કરી છે.આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડનું ફંડ ફાળવાયું.