આજે દરેક ન્યૂઝ ચેનલ દ્વારા એક્ઝિટ પોલના આકંડા બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે એવું જરૂર નથી કે એ આકંકા સાચા જ પડતા હોય છે. ઘણી વખત એક્ઝિટ પોલના અનુમાન ખોટાં પણ પડી ચૂક્યાં છે. જો એવા કિસ્સા વિશે વાત કરીએ તો વર્ષ 2007 બાદ UPAની સરકારમાં કૌભાંડના આરોપ લાગ્યા હતા. જેના બે વર્ષ બાદ 2009માં લોકસભાની ચૂંટણી આવી હતા. ત્યારે ઘણી જગ્યાએ ચર્ચાઓ થવા લાગી કે આ વખતે UPAને જીતવું ઘણું મુશ્કેલ છે. આ જ વાત એક્ઝિટ પોલમાં પણ જોવા મળી હતી. વિવિધ એક્ઝિટ પોલમાં સરેરાશ UPAને 199, NDAને 197 સીટનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ અંતિમ પરિણામમાં UPAને 262, NDAને 159 સીટ મળી અને ડૉક્ટર મનમોહનસિંહ ફરીથી પ્રધાનમંત્રી બન્યા હતા.
જો બીજી વાત કરીએ તો અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ બાદ વર્ષ 2004માં દેશમાં લોકસભાની ચૂંટણી આવી હતી.આ ચૂંટણીમાં એક્ઝિટ પોલનું એવું કહેવું હતું કે NDA સત્તામાં આવશે અને કોંગ્રેસને ફરીથી વિપક્ષમાં બેસવું પડશે. પરંતુ લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી હતી, અને ગઠબંધન કરીને UPAએ સત્તામાં આવી, ડૉક્ટર મનમોહનસિંહ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારે પણ એક્ઝિટ પોલ ખોટું પડ્યો હતો.
વર્ષ 2019ની જો વાત કરીએ તો હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ઘણા એક્ઝિટ પોલમાં ભાજપને 70થી વધુ સીટ પર જીત મળશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે મત ગણતરી થઈ તો માંડ 40 સીટ પર ભાજપને જીત મળી શકી અને ભાજપને ગઠબંધન કરી સરકાર બનાવવી પડી. ત્યારે પણ લોકોની આંખો ફાટી રહી હતી.
એ જ રીતે ગયા વર્ષ 2021ની જ વાત કરીએ તો પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલે ભાજપને 100થી વધુ સીટ પર જીત મળશે તેવા દાવા કર્યા હતા. પરંતુ મમતા બેનર્જીના ગઢમાં ભાજપને માત્ર 77 સીટ પર જ જીત મળી અને ભાજપ સરકાર બનાવી ન શક્યું. આ રીતે ઘણી વખત એક્ઝિટ પોલના આંકડા શોભાના ગાઠિયા રહી જતા હોય છે અને બીજી પાર્ટી ઘા મારી જતી હોય છે. ત્યારે આ વખતે 8 ડિસેમ્બરે જોવાનું એ રહ્યું કે કોની સરકાર બનશે અને કોણ હારી જાય છે.