(માહિતી બ્યુરો, પાલનપુર): સમગ્ર બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જિલ્લાના ભાભર અને સુઈગામ તાલુકામાં વધુ અને અન્ય તાલુકાઓમાં પ્રમાણસર વરસાદ છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદથી ઊભી થતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કલેકટરશ્રીએ ડિઝાસ્ટર વિભાગના કંટ્રોલરૂમની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, વરસાદથી ઊભી થતી પરિસ્થિતિમાં તમામ અધિકારીઓએ ફરજીયાત પણે હેડક્વાર્ટર પર રહેવું અને તેમને મળતી ફરિયાદોનો ત્વરિત રિસ્પોન્સ આપવો. પરિસ્થિતિને ધ્યાને લઈ જરૂરી જણાય તો સંબંધિત અધિકારીઓએ રૂબરૂ સ્થળની મુલાકાત લેવી. તેઓએ જણાવ્યું કે, રસ્તાઓ પર ઓવર ટોપિંગ ન થાય અને જ્યાં પાણી ભરાયું હોય એવા સ્થળે પોલીસ પોઇન્ટ મૂકી લોકોની અવર-જવર સુનિશ્ચિત કરવી. જેથી કોઈ જાનહાની ન થાય. હાલમાં બનાસ નદીમાં પાણીની આવક શરૂ થતા અમીરગઢ અને દાંતીવાડા તાલુકાના બનાસ નદીના પટમાં લોકો અવર-જવર ન કરે એ સુનિશ્ચિત કરવા. જરૂરિયાત ઉદભવે તો એન. ડી. આર. એફ. ટીમની મદદ લેવા સૂચના આપી હતી.
કલેકટરશ્રીએ પશુપાલન વિભાગના અધિકારીઓને જણાવ્યું કે, અત્યારે લમ્પી વાયરસની પરિસ્થિતિ અને વરસાદની પરિસ્થિતિ બંને એકસાથે છે. આ સમયે પશુપાલકો વિશેષ જાગૃતિ કેળવી પશુઓની સાર-સંભાળ રાખે એ માટે પશુપાલકોને જાગૃત કરવા. યુજીવીસીએલ એ પણ વીજ પુરવઠા સંબંધિત ફરિયાદ મળે તો ત્વરિત તેનું સમાધાન કરવું. સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો વરસાદી પાણીના લીધે પલળી ન જાય એ માટે તેને સુરક્ષિત જગ્યાએ રાખવા તેઓએ સૂચન કર્યું હતું. જ્યાં રસ્તા પર પાણી ભરાયા હોય ત્યાં તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સંકલન કરી પંપીંગ દ્વારા પાણી દૂર કરવાની કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીઓને સૂચન કર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે, વરસાદની આ પરિસ્થિતિમાં તમામ વિભાગોએ એકબીજાના સંકલનમાં રહીને કામ કરવાનું છે. કોઈપણ પ્રશ્ન ઉદભવે તો સાથ સહકારથી તેનું નિરાકરણ કરવાનું છે અને ગ્રામ્ય સ્તર સુધીનો સ્ટાફ અત્યારે હાજર રહે એ સુનિશ્ચિત કરવાનું છે.
આ બેઠક બાદ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ સાથે ડિઝાસ્ટર શાખા ખાતે કંટ્રોલરૂમની મુલાકાત લઈ ફરજ પર હાજર કર્મચારી પાસેથી વિગતો મેળવી અને જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, માર્ગ મકાન વિભાગ, પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ, પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ , એન.ડી.આર.એફ. ના અધિકારીશ્રી તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.