વડોદરાના પાદરાના સાંગમા પાસેથી કારમાં લઇ જવાતો રૂપિયા ૧.૩૪ લાખની કિંમતનો વિદેશી દારૂની ૨૮ પેટી ઝડપી પાડી હતી. પોલીસે વિદેશી દારૂ જંબુસર તરફ લઇ જતા કાર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. એલ.સી.બી.માં ફરજ બજાવતા હે.કો. રવિન્દ્રભાઇ નાથાભાઇને માહિતી મળી હતી કે, પાદરા-જંબુસર રોડ ઉપરથી કારમાં વિદેશી દારૂનો જથ્થો જવાનો છે.
જે માહિતીના આધારે એલ.સી.બી. સ્ટાફની પાદરા રોડ સાંગમાં કેનાલ પાસે વડોદરાથી પાદરા રોડ ઉપર જવાના રસ્તા ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન બાતમી વાળી કાર પસાર થતાં, પોલીસે તેને અટકાવી હતી. અને તેમાં તપાસ કરતા વિદેશી દારૂની ૨૮ પેટી મળી આવી હતી. અને પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો લઇ જનાર ભુપેન્દ્રસિંહ કલ્યાણસિંહ સીસોદીયા (રહે. લીમડી, તા. આસપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.
પોલીસે આ બનાવમાં વિદેશી દારૂનો જથ્થો કબજે કરવા સાથે રૂપિયા ૨ લાખની કિંમતની કાર એક મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા ૩,૨૯,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા બાતમીના આધારે દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા, બુટલેગરોમાં ફફાડાટ વ્યાપી ગયો છે. આ વિદેશી દારૂ મંગાવનારની ધરપકડ થયા બાદ અન્ય બુટલેગરોના પણ નામો ખુલે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
આ વિદેશી દારુનો જથ્થો રાજસ્થાનના અખેપુરના રહેવાસી લાલસીંહ ચૌહાણે ભરાવ્યો હતો અને પાદરા-જંબુસર રોડ ઉપર પહોંચ્યા બાદ ફોન કરવાનો હતો. અને લાલસિંહ જે નંબર આપે તેને ફોન કરીને પહોંચતો કરવાનો હતો. પોલીસે આ બનાવમાં રાજસ્થાનથી દારૂ મોકલનાર લાલસીંહ ચૌહાણ અને આ દારુ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.