આ વિધાનસભાની ચૂંટણી ગુજરાત કોંગ્રેસ માટે કપરા ચઢાણ બની રહેવાની છે. કારણ કે, એક તરફ ભાજપને ટક્કર, બીજી તરફ આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને ત્રીજી તરફ પોતાના જ પક્ષના નેતાઓનો વિશ્વાસ ગુમાવી રહ્યુ છે કોંગ્રેસ. કોંગ્રેસ હાલ એકસાથે અનેક મોરચે લડી રહ્યુ છે, પરંતુ પોતાના નારાજ નેતાઓને અન્ય પક્ષમાં જતુ રોકી શક્તુ નથી. નારાજગીનો આ દોર હવે સતત વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ બે નેતા કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે.
પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર જલ્દી જ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો હાથ પકડી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલ અને રાજુ પરમાર નારાજ થયા છે. પક્ષથી નારાજ બે દિગ્ગજ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમાર કોંગ્રેસને અલવિદા કરીને ૧૭ ઓગસ્ટ ભાજપનો ખેસ પહેરશે. બંને નેતા બે દિવસમા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. આ બંને નેતા અહેમદ પટેલ જૂથના છે, જેઓ હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આ ઘટના ભૂકંપ સમાન છે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જાેડાઈ રહ્યા છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ૬૦ જેટલા નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જાેડાયા છે. મહત્વનું છે કે, રાજ્યસભાની ૨૦૧૯માં ચૂંટણી પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યુ હતુ. રાજ્યસભા ચૂંટણી બાદ બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતુ. સાથે જ ધારાસભ્ય હીરા પટેલ, સાગર રાયકા, જયરાજસિંહ પરમાર, હાર્દિક પટેલે પણ કેસરીયો ધારણ કર્યો છે.
કોંગ્રેસના નેતાઓનું ભાજપ તરફી વલણ કોંગ્રેસને ભારે પડી શકે છે. વિશ્વાસ ગુમાવ્યા બાદ અનેક નેતાઓ ભાજપમાં જાેડાઈ રહ્યાં છે. સાથે જ કોંગ્રેસ મોવડીઓ પણ ‘જતા હોય તો જવા દો’ એમ કહીને જાણે પોતે જ પક્ષની દશા બેસાડવા બેસ્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં ૨૦૧૨થી અત્યાર સુધીમાં ૬૦ જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જાેડાયા છે. હજી પણ બે દિગ્ગજ નેતાઓ ભાજપ તરફ પલાયન કરી રહ્યાં છે. છતાં પક્ષને કંઈ પડી નથી. જાે આવું ને આવુ ચાલતુ રહ્યું તો કોંગ્રેસ પોતાના જ નેતાઓનો વિશ્વાસ ગુમાવી દેશે.