ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમા ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. દરેક રાજકીય પાર્ટીઓ એડીચોટીનુ જોર લગાવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી ગઈ છે. આ વચ્ચે કોંગ્રેસની મુશ્કેલીઓ દિવસે અને દિવસે વધી રહી છે. એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત બની છે. સમાચાર સામે આવી રહ્યા છે કે વધુ એક કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કેસરિયા કરવાના સમાચાર બાદ રાજકારન ગરમાયુ છે.
મળતી માહિતી મુજબ આગામી 22 ઑગષ્ટે કમલમ ખાતે ભાજપમાં જોડાવાના છે. આ સાથે મહેન્દ્રસિંહ બારૈયાએ 21 ઓગષ્ટના રોજ પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસને લઈને લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કર્યુ છે. આ દરમિયાન 1000થી વધુ શુભેચ્છકો તેમા જોડાવાના સંભાવના છે. 51 બ્રાહ્મણો દ્વારા થનારી આ પૂજા બાદ બીજા દિવસે કેસરીયા કરશે.
આ સમાચાર કોંગેસ માટે માઠા છે કારણ કે એક તરફ ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને હવે પ્રાંતિજના ધારાસભ્ય ભાજપમાં જોડાશે તો સાબરકાંઠામાથી કોંગ્રેસનુ પત્તુ સાફ થઈ શકે છે. વાત કરીએ મહેન્દ્રસિંહ બારૈયાએ વિશે તો તેઓ 1998થી રાજકારણમાં જોડાયા અને પ્રાંતિજ તાલુકા કોંગ્રેસમાં મહામંત્રી રહ્યા છે. આ બાદ પ્રાંતિજ માર્કેટયાર્ડમાં બે વાર ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.
આ બાદ 2010માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોયદ જીલ્લા પંચાયતની બેઠક પર 950 વોટથી જીત મેળવી અને ત્યાર બાદ તેમનો વિજયરથ આગળ વધતો રહ્યો. તે પછી તાલુકા પંચાયતની પાંચેય બેઠક પણ જીત મેળવી અને 2012માં પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રહ્યા અને 2017માં પ્રાંતિજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાને ઉતરી 2551 મતોથી હાર્યા હતા.