ગાંધીધામ : અહીંના સિનિયર એડવોકેટ અને નોટરી પબ્લિક શ્રી અજમલ ગણેશભાઈ સોલંકી પોતાના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ જીવનમાં કારકિર્દીના ઘડતર માટે કરેલ સંઘર્ષની ગાથાને શબ્દ દેહ આપી જીવન સંઘર્ષ નામે પોતાની આત્મકથા લખી છે એ આત્મકથા પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ ગત તારીખ 10 જુલાઈ 2022 ના રોજ બપોરે 12 વાગ્યે આદિપુર કચ્છ ખાતે આવેલ કરુણા વિહાર કન્યાસદનમાં રાખવામાં આવ્યો હતો. એ કાર્યક્રમમાં કંડલા પોર્ટના ફાયર વિભાગના પૂર્વ અધિકારી શ્રી એ જે મહેશ્વરી, શ્રી ડી.એમ કટવા, ગણેશ નગર શાળાના શિક્ષિકા બકુલાબેન સોલંકી, મીરાબેન રોશિયા, નિવૃત શિક્ષક શ્રી નરેશભાઈ બોખાણીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને તે મહાનુભવોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું,
એ કાર્યક્રમમાં અન્ય મહેમાનો શ્રી કાસમભાઇ આગરીયા, જયેશભાઈ કારીયા અને કરુણા વિહાર ના સંચાલક શ્રી કિરીટભાઈ તથા તે વિહાર ની વિદ્યાર્થી બાળાઓએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે આભાર વિધિ શ્રીમતી પાર્વતીબેન અજમલભાઈ સોલંકી એ કરી હતી.
એક મુઠી ઉંચેરા માનવી અને અદ્દકેરુ વ્યક્તિત્વ એટલે કે એડવોકેટ અજમલભાઈ સોલંકી અને એમનો સંઘર્ષ જ લોકો માટે એક મોટી પ્રેરણા છે. અજમલભાઈ રોહિત મેઘવાળ સમાજમાં પહેલી એવી વ્યક્તિ છે કે જેઓ વકીલ બન્યા હતા. એમનો પરિવાર મજૂરી કરીને પેટિયુ રળતા હતા. ત્યારે એવી પરિસ્થિતિમાં બાળકને ભણાવવા અને વકીલાતનું ભણાવવા એ કોઈ બચ્ચાના ખેલ નથી, તેમ છતાં અજમલભાઈએ એ કરીને બતાવ્યું.
નાનપણનો સમય કોઈ કાંટાળી વાળ કરતાં ઓછો નહોતો. માતાનું નાની વયે જ અવસાન થયું. પરિવારમાંથી વડીલોના અત્યાચાર પણ સહન કરવા પડ્યા, જો કે તેમ છતાં હારે એ અજમલભાઈ નહીં. તેમણે સખત મહેનત કરી અને સમાજની અંદર પહેલા વકીલ બનીને બતાવ્યું. તેમની આ સંઘર્ષ ગાથા જોઈને લોકો તરફથી નવી નવી ઓફરો અને નવા નવા કામ પણ મળવા લાગ્યા. સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ અજમલભાઈ ખુબ દોડ્યા અને કામ કર્યું. જો આપણે અજમલભાઈની 17 પેઢી ફંફોડીએ તો પણ કોઈ આટલું ભણેલું અને હોંશિયાર ન મળે.
1994થી તેઓ વકીલ તરીકેની ફરજ બજાવે છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે આ પ્રેરણા તેમને ડોં.ભીમરાવ આંબેડકર સાહેબના જીવનમાંથી મળી છે. અજમલભાઈનો છાતી ચીરી નાખે એવો સંઘર્ષ આજે નવી પેઢીને પ્રેરણા આપી રહ્યો છે. એમના સમાજના કેટલાય લોકો અજમલભાઈના જીવનમાંથી શીખીને શિક્ષિત બન્યા અને સમાજમાં એક માન સાથે જીવતા થયા છે અને હજુ પણ શીખી રહ્યા છે.
લોકોને તમે ભાષા અને કળા શીખવી શકો, પરંતુ સ્વાભિમાન શીખવવું કે જગવવું એ આપણા હાથની વાત નહીં, તેમ છતાં અજમલભાઈનું કામ અને એમના જીવન જીવવાની રીત એ કામ કરવામાં સફળ નીવડી છે.