ગાંધીનગર હાલમાં આંદોલનનો અખાડો બની ગયું છે. રોજ કોઈને કોઈ નવા આંદોલન શરૂ થઈ રહ્યા છે. જો કે ધીરે ધીરે સરકાર બધા સાથે વાત કરી આ આંદોલનને સમેટી પણ રહી છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે માજી સૈનિકોનું આંદોલન અને ST નિગમના કર્મચારીઓનું આંદોલન આજે સમેટી લેવાયુ છે. કારણ કે રાજ્ય સરકારે આજે ST નિગમના કર્મચારીઓની 14 માંગમાંથી 11 માંગો સ્વીકારી લીધી છે. ST કર્મચારીઓના 11 જેટલા પ્રશ્નોનું આજે નિરાકરણ આવી ગયું છે.
વિગતો મળી રહી છે કે પ્રશ્નોના નિરાકરણ મુદ્દે GSRTCના અધિકારી કે.ડી. દેસાઈએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘વાહન વ્યવહારમંત્રીએ મોડી રાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી નાખવામાં આવ્યું છે. બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ લાવતા નિર્ણય લેવાયા કે, ગ્રેડ-પેનો એરિયર્સ એક જ સપ્તાહમાં ચૂકવાશે. 16 કરોડ જેટલું એરિયર્સ ચૂકવાશે. 3 ટકા DA 1 ફેબ્રુઆરીમાં ચૂકવાશે. દરેક પ્રકારના ભથ્થામાં વધારો કરાયો. ફિક્સ પેના કર્મચારીઓમાં પણ વધારો કરાયો છે. હેલ્પર અને RTને રૂ. 1000નો વધારો કરાયો. ડ્રાઈવર અને કંડક્ટરના માસિક પગારમાં રૂપિયા 2 હજાર 500નો વધારો કરાયો. આથી, ST વિભાગના 38 હજાર કર્મચારીઓને ફાયદો થશે.’
આખા ગુજરાતમાં ST બસના પૈડા થંભી જાય એ પહેલાં જ વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીની પહેલે રંગ લાવી છે. મંત્રી પૂર્ણેશ મોદીએ મોડી રાત સુધી ST નિગમના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં કર્મચારીઓની પડતર માંગ ઉપર ઊંડી ચર્ચા વિચારણાં કરવા એસ.ટી.નિગમના કર્મચારીઓની જે પડતર માંગ હતી તેમાં 14માંથી 11 માંગ સરકારે સ્વીકારી લીધી છે. ત્યારે આંદોલન પણ હવે સમેટી લેવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિભાગના કર્મચારીઓ હડતાળ કરી રહ્યાં છે. ત્યારે રાજ્યના ST વિભાગના કર્મચારીઓની હડતાળનો આજે અંત આવ્યો છે.