મહેસાણાના ઊંઝામાં એક શિક્ષકને યુવતી સાથે મીઠી મીઠી વાતો કરવી ભારે પડી છે. યુવતીએ શિક્ષક પાસે સિદ્ધપુર જવા લિફ્ટ માંગી હતી બાદમાં મોબાઈલ નંબરની આપ-લે થઈ. ત્યારબાદ ગેસ્ટ હાઉસમાં મળવા બોલાવી પોતાના સાગરીતો સાથે મળી ૧૦ લાખની માગ કરી ૫ લાખમાં સમાધાન કરવાની વાત કરી હતી.
શિક્ષકે રોડ પર બૂમાબૂમ કરી મુકતા ૩ આરોપીઓને લોકોએ ઝડપી મેથીપાક આપી પોલીસ મથકમાં લઇ ગયા હતા. ઊંઝાના મકતુંપુરના શિક્ષક વડગામમાં ફરજ બજાવે છે. જે ૨૨ ઓગસ્ટના રોજ પોતાની ગાડી લઇ મકતુંપુરથી સિદ્ધપુર જતા હતા. ત્યારે બ્રાહ્મણવાડા બસ સ્ટોપ પાસે એક ૩૨ વર્ષીય અજાણી યુવતીએ સિદ્ધપુર જવા લિફ્ટ માંગતા શિક્ષકે યુવતીને પોતાની ગાડી લિફ્ટ આપી હતી.
ત્યારબાદ સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે યુવતીને ઉતારી હતી. લિફ્ટ માગનાર યુવતીએ પોતાની ઓળખ કાજલ દવે તરીકે આપી હતી અને પોતે બ્યુટી પાર્લરનું કામ કરતી હોવાનું જણાવ્યું હતું. શિક્ષકે યુવતીને બિંદુ સરોવર ઉતર્યા બાદ યુવતીએ શિક્ષકને કહ્યું કે, ‘તમે સ્વભાવના ખુબ સારા છો હું બ્યુટી પાર્લરનું કામ કરું છું’ એમ કહીં નંબરની આપ લે કરી હતી.
શિક્ષકને યુવતીએ કોલ અને વોટ્સએપ પર મેસેજ કર્યા બાદ યુવતીએ ૩૦ ઓગસ્ટના દિવસે શિક્ષકને ફોન કરી કહ્યું કે, ‘ચાલો આપણે અંબાજી ફરવા જઈએ’ શિક્ષકને અંબાજી જવાનો સમય ન મળતા બને સિદ્ધપુરના ખણી ચોકડી નજીક આવેલા રાધે ગેસ્ટ હાઉસમાં મળવા ગયા હતા. જ્યા યુવતીએ શિક્ષકને પોતાની જાળમાં ફસાવવા રૂમમાં લઇ ગઈ હતી.
હોટલના રૂમમાં શિક્ષક અને યુવતી ૧૫ મિનિટ જેટલું રોકાયા હતા. બાદ સાંજે યુવતીને મોડું થવાથી તે શિક્ષકની ગાડીમાં બેસી ઘરે જવા નીકળી હતી. હોટેલમાંથી નીકળ્યા બાદ શિક્ષક યુવતી પોતાની ગાડીમાં બેસી ઘરે જઈ રહ્યા હતા. એ દરમિયાન અન્ય ગાડીમાં ચાર યુવકો આવી પોતાની ઓળખ યુવતીના ભાઈ અને મિત્રો હોવાની આપી હતી.
બાદમાં યુવતી અન્ય ગાડીમાં બેસી ચાલી ગઈ હતી અને અન્ય ત્રણ યુવકો શિક્ષકની ગાડીમાં બેસી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર કરવાની ધમકી આપી ૧૦ લાખ માગ્યા હતા. શિક્ષકે ઊંઝા જઇ પૈસા આપું એમ કહેતા ગાડી ઊંઝા જતા સમયે ટ્રાફિકમાં ફસાઈ જતા શિક્ષકે બચાઓ બચાઓની બુમો પાડતા આરોપીઓ ત્યાંથી ભાગ્ય હતા. લોકોએ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને પોલીસ મથકમાં લઇ ગયા હતા.