બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડ ખાતે રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો અને અમૃત આહાર મહોત્સવ યોજાયો હતો. એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) દ્વારા આયોજીત આ કૃષિ મેળામાં કૃષિકારોને નવિન કૃષિ સંશોધનો અને આધુનિક ખેતી પધ્ધતિઓ તેમજ પ્રાકૃતિક કૃષિ અંગે પ્રગતિશીલ ખેડુતોને માર્ગદર્શન મળી રહે તે માટે અમૃત આહાર મહોત્સવમાં ઝેરમુક્ત- પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનોનું વેચાણ રાખવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું હતુ કે, આપણા દેશ ભારત સહિત વિશ્વના ઘણા દેશો એ પ્રાકતિક ખેતીની શરૂઆત કરી છે. સરકારે પ્રાકૃતિક ખેતી માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી ખેડુતોની આવક કઇ રીતે વધારી શકાય તેના પ્રયત્નો આદર્યા છે તેમ તેમણે જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, ખેડુતોને આધુનિક ખેતી અંગે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ વિવિધ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. સાંસદએ કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડુતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે ગામે ગામ કૃષિ મહોત્સવ અને કૃષિ મેળાનું આયોજન કરીને ખેડુતો સુધી સાચી માહિતી પહોંચાડી છે. જેના લીધે આજે બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્ય અને દેશના ખેડુતો ચીલાચાલુ ખેતીના બદલે આધુનિક ખેતી તરફ વળ્યા છે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે રૂ. ૬૦૦૦/- ની રકમ સીધી ખેડુતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ખેતરની ફરતે કાંટાળી વાડ બનાવવા માટે અને ટપક તથા ફુવારા પધ્ધતિ અપનાવવા માટે ખેડુતોને સબસીડી આપવામાં આવે છે જેનો લાભ લઇ લાખો ખેડુતો ટપક અને ફુવારા પધ્ધતિથી ખેતી કરે છે. તેમણે કહ્યું કે, ખેડુતો રાસાયણીક ઝેરી ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકારે યોજનાઓ અમલી બનાવી છે. તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા કહ્યું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચથી વધુ ઉત્પાદન મેળવીને સારી આવક મેળવી શકાય છે તેની સાથે ઝેરમુક્ત અનાજ, શાકભાજીના ઉત્પાદનથી સ્વાસ્થ્ય પણ સારું જળવાય છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું વિશેષ યોગદાન છે. ગાયના ઉછેર અને નિભાવ માટે રાજ્ય સરકાર દ્વારા દર મહિને રૂ. ૯૦૦/- ની સહાય ખેડુતોને આપવામાં આવે છે તેનો લાભ લેવા તેમણે ખેડુતોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડુતોની ચિંતા કરીને તેમની આવક બમણી કરવા માટે કૃષિ વૈજ્ઞાનિકોને ખેડુતોના ખેતરે- ખેતરે મોકલીને તેમને માર્ગદર્શન આપવા માટે કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. તેમણે કહ્યું કે, ખેડુતોની આવક કઇ રીતે વધે તે માટે આ સરકાર સતત ચિંતા કરે છે. તેમણે ખેડુતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કરતા જણાવ્યું કે, દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીના ઘણા બધા ફાયદા છે. ગાયના છાણ, ગૌ મૂત્ર, દૂધ વગેરેનો ઉપયોગ કરીને શારીરિક તંદુરસ્તી પણ સારી જાળવી શકાય છે ત્યારે ગાય આધરીત પ્રાકૃતિક ખેતી અપનાવીને તંદુરસ્ત જીવન જીવીએ.
આ પ્રસંગે રાજ્ય સભા સાંસદ દિનેશભાઇ અનાવાડીયાના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સાંસદ તથા મહાનુભાવોએ અમૃત આહાર મહોત્સવ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ, જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઇ પ્રજાપતિ, પી. કે. પટેલ, જે.બી.સુથાર, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટ એચ. જે. જિન્દાલ, અગ્રણીઓ સર્વ જીગરભાઇ દેસાઇ, ભીખાભાઇ ભુટકા સહિત પ્રગતિશીલ ખેડુતો, કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ખેડુત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.