ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કર્યુ છે. જે અંતર્ગત ગુજરાતભર માં તા. ૯મી ઓગષ્ટ થી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લાસ્તરે વિવિધ કાર્યક્રમો થકી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં લોકો ઉત્સાહપૂવર્ક જોડાઈને માતૃભૂમિ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે.
‘મારી માટી, મારો દેશ’ અભિયાનના બીજા દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ધાનેરા તાલુકાના સામરવાડા ખાતેથી બાઈકરેલી યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં જોડાયા હતા. બનાસકાંઠાના પનોતા પુત્ર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વાગતમાં હજારો બાઇક સવારોએ તિરંગા યાત્રા યોજી બાઈક રેલીમાં ભાગ લીધો હતો.
ધાનેરા તાલુકાની પવિત્ર તપોભૂમિ અને સુંદરપુરી મહારાજની પુણ્ય ભૂમિ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ” મારી માટી, મારો દેશ ” અભિયાન કાર્યક્રમ દેશભક્તિ સભર માહોલમાં ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાલેર ગ્રામજનો અને રાજકીય સામાજિક અગ્રણીઓ દ્વારા મંત્રી હર્ષભાઈ સંઘવીનું પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડી ભાવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.
મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક -શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ પંચ પ્રાણ અંતર્ગત હાથની મુઠ્ઠીમાં માટી સાથેવિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પાંચ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. તેમજ ગામના શહીદ વીર ભલાભાઈ ચૌધરી અને કેહરભાઈ ચૌધરીના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જયારે ‘વસુધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રીએ વાલેર શાળા ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. દરમિયાન મંત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉત્સાહપૂવર્ક જણાવ્યું કે, ‘મારી માટી મારો દેશ’ આ બે શબ્દોએ કાશ્મીર થી કન્યાકુમારી સુધી નવી લહેર લાવી છે. વાલેર ની પવિત્ર તપોભૂમિ પરથી ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમમાં આવવા મળ્યું એને પોતાનું અહોભાગ્ય ગણાવતાં આ ભૂમિની માટીને કળશમાં લઈ જઇ અપર્ણ કરવાનો અવસર મળ્યો છે એમ જણાવી વતનને વંદન કર્યા હતા.
વર્ષ 2017માં ધાનેરા માં આવેલ વિનાશક પૂરમાં સૌથી પહેલાં સુરત સાથે 300 સેવકોની ટીમ લઈ વતનની સેવા કરવાનો અવસર મળ્યો એ બદલ પોતાને નસીબદાર ગણાવતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, વતનની સેવા કરવાનો લ્હાવો કોઈને જ મળતો હોય છે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં સીમાઓ ની સુરક્ષા થકી નાગરિકોની સુરક્ષા અને સલામતી સાચવતા જવાનો અને શહીદવીરો માટે આવો વિચાર આવ્યો જેના થકી આજે પુરા દેશમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમ કહ્યું હતું.
શહીદવીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં મંત્રી હર્ષભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, મારા જેવા મંત્રીનું સન્માન નહિ કરો તો ચાલશે પણ શહીદવીરોના પરિવારનું સન્માન અવશ્ય કરજો. ગામના નાના મોટા પ્રસંગોમાં શહીદ વીરોના પરિવારને યાદ કરી 365 દિવસ તેમનું સન્માન કરવા અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો હોવાથી રાજ્યનો દેશભક્ત જિલ્લો છે એમ ઉમેરતાં મંત્રીએ ધાનેરા તાલુકામાં કોઈ કંપનીઓ નથી તેમ છતાં સમૃદ્ધ તાલુકો છે અને એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો તાલુકો હોવાનું ગૌરવ ધરાવે છે એમ જણાવી વિકસિત ભારતનું સ્વપ્ન પોતાના વારસા અને વ્યવસ્થાઓના જતન અને ખેડૂતોની સમૃદ્ધિ થી સાકાર થશે એવું ગૌરવભેર જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કર્યો છે એમ જણાવતાં મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે જાતિ જ્ઞાતિ અને ધર્મના વાડા માંથી બહાર આવી આપણે સૌથી પહેલાં ભારતીય છીએ એવું ગૌરવ અનુભવીશું ત્યારે ‘મારી માટી મારો દેશ’ અભિયાનની ઉજવણી સાચા અર્થમાં સાકાર થશે. કાર્યક્રમના અંતે મંત્રી હર્ષ સંઘવીએ મહંત સુંદરપુરી મહારાજની જગ્યાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આવકારતાં તેમના ગૃહમંત્રી તરીકેના કાર્યકાળ માં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી અસામાજિક તત્વોને ડામવાનું પ્રશંશનિય કામ કરવા બદલ તેમને અભિનંદન પાઠવી બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે એમ જણાવ્યું હતું. વધુમાં ધારાસભ્ય એ જણાવ્યું કે રાજ્યમાં વ્યાજ ખોરો વિરુદ્ધ કાયદો બનાવી લોકોને પઠાણી ઉઘરાણી માંથી મુક્તિ અપાવવાનું હોય કે દીકરીઓ મહિલાઓને સુરક્ષા સલામતી આપવાની વાત હોય ગૃહમંત્રીએ ગુનાહિત પ્રવૃતિઓ અને ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી દ્વારા ગુજરાતના નાગરિકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે.
ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી
આ પ્રસંગે પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, મહંત સુખપુરી મહારાજ, બનાસ બેન્કના ચેરમેન સવસીભાઈ ચૌધરી, જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, રાજકીય સામાજિક અગ્રણીઓ, મહિલાઓ ,બાળકો, વડીલો , ગ્રામજનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈએ મારી માટી મારો દેશ ની થીમ પર સેલ્ફી લઈ કાર્યક્રમની ઉજવણીમાં સહભાગી બન્યાનું ગૌરવ અનુભવ્યું હતું.