દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે. ઘણા રાજ્યોમાં વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી છે, તો ઘણી જગ્યાએ વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. જો કે કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ચોમાસાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. હવામાન વિભાગે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં આજથી આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની ચેતવણી આપી છે.
આ સાથે ઘણી જગ્યાએ વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવનની પણ શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જ્યારે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ આગામી 4 દિવસ સુધી છે. આ ધોધમાર વરસાદ વચ્ચે અનેક જિલ્લાઓ પાણીમય બન્યા છે. રસ્તાઓ, નદી, નાળા, વોકળામાં પાણી ભરાયાની સ્થિતિ છે. ત્યારે સારી વાત એ છે કે, સારા વરસાદને કારણે ગુજરાતના અનેક ડેમ અત્યારથી જ છલકાઈ ગયા છે. તેમજ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. આ ઉપરાંત દ્વારકાનો બોખરિયા ડેમ, તાપી પરનો ઉકાઈ ડેમ, વંથલીનો ઓઝત વિયર ડેમ, બગડ નદી પરનો બગડ ડેમ ઓવરફ્લો થયો છે.
દેશના અન્ય રાજ્યો પર નજર કરીએ તો પંજાબમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બિહારમાં ચોમાસું સતત નબળું પડી રહ્યું છે. ઓછા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હવે જુલાઇ માસમાં પણ વરસાદના અભાવે ખેડૂતો ચિંતિત છે. દિલ્હી-એનસીઆરમાં ભેજ અને ગરમીથી પરેશાન લોકોને ટૂંક સમયમાં રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી રાજધાનીમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હિમાચલના ચાર જિલ્લા, કાંગડા, મંડી, સોલન અને સિરમૌરમાં ભારે વરસાદની સાથે વાવાઝોડાની નારંગી ચેતવણી જારી કરી છે. સિક્કિમ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામના ભાગો, અરુણાચલ પ્રદેશ, કેરળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ગોવા, ગુજરાત અને કર્ણાટક, ઓડિશાના બાકીના ભાગો, મધ્યપ્રદેશ, ગુજરાતના બાકીના ભાગો, આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીરના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.