શહેરમાં દિવસ દરમિયાન ગરમી અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. સાથે જ હાલ ડબલ સિઝન ચાલી રહી છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ થોડો સમય સુધી ડબલ સિઝન રહેશે. સાથે જ અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીને પાર થઈ શકે છે. જાે કે, હાલ પણ બપોરના સમયે રસ્તા પર નીકળવાનું થાય અને ટ્રાફિક સિગ્નલે ઉભા રહેવું પડે તો ગરમીનો તરત અનુભવ થાય છે. મોડી રાત્રે અમદાવાદમાં ઠંડીનો એહેસાસ થાય છે. જેથી આ ડબલ સિઝન હજુ પણ થોડા દિવસો માટે યથાવત રહેશે, એવું હવામાન વિભાગનું માનવું છે.
મહત્વનું છે કે, ગઈ રાત્રે નલિયામાં સૌથી નીચું ૧૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે કંડલામાં સૌથી વધુ ૩૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં ગઈ રાત્રીએ ૧૩.૫ ડિગ્રી તાપમાન સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સાથે જ દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી ઘટી ગયુ હતુ. ત્યારે હવામાન વિભાગનું માનવું છે કે, અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન આગામી ત્રણ દિવસમાં ૩૫ ડિગ્રીને પાર જઈ શકે છે. એટલે કે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે.
વળી હાલ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે હવામાન વિભાગે એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે, માર્ચ મહિનાની શરૂઆતમાં મહત્તમ તાપમાનનો પારો ૩૬ ડિગ્રીથી વધી શકે છે. આ ડબલ સિઝનની અસર અત્યારથી જ અમદાવાદીઓમાં જાેવા મળી રહી છે. બપોરના સમયે લોકો કામ સિવાય ઘરની બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે. દિવસે અને મોડી રાત્રી સુધી ઘરના પંખા ચાલુ રાખવા પડી રહ્યા છે. જેથી આવનારા દિવસોમાં ગરમી ભૂક્કા બોલાવશે એવી સ્થિતિ સર્જાઈ શકે છે. મહત્વનું છે કે, આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડી હતી. જેથી એવું અનુમાન છે કે, આગામી સમયમાં અંગ દઝાડતી ગરમી પડી શકે છે.