આ વર્ષે ખુબ વરસાદ પડ્યો છે. બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ થઈ ગઈ એવું કહીએ તો પણ ખોટું ન પડે. ત્યારે નર્મદા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી 136.03 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં 4 લાખ 83 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ. પાણીની આવક સામે 4 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડાયું. જો કે હવે ફરીથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ વાત કરીએ તો રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેવાની સંભાવના રહેલી છે. 4 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. હાલ ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. કયા વિસ્તારમાં કેવો પડશે એના વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી રહી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં સર્વત્ર વરસાદ પડવાની પુરેપુરી સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
વિગતો મળી રહી છે તે પ્રમાણે રાજ્યમાં વરસાદની સ્થિતિની જો વાત કરીએ તો રાજ્યમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારો હજુ બેટની સ્થિતિમાં જ છે. વાવ તાલુકાના અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ છે. વરસાદ બંધ થયાને એક સપ્તાહ થયો પરંતુ હજુ સુધી વાવ તાલુકાના કેટલાક ગામડાઓમાં પાણી નથી ઓસર્યા. એવામાં હવે વરસાદની ફરી આગાહી એ એક ચિંતાનો વિષય પણ બનીને ઉભો છે. કારણ કે જો વાવ તાલુકાના ડેડાવા ગામની વાત કરવામાં આવે તો શાળામાં પણ હાલ ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરેલા હોવાના કારણે છેલ્લા 10 દિવસથી બાળકોનું ભવિષ્ય પણ અંધારામાં જોવા મળી રહ્યું છે.