Gujarat weather forecast: રાજ્યમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ (ahmedabad) હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગે સાત દિવસના વરસાદની આગાહી કરી છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operations Center) દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યના અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની શક્યતાઓ જણાવી છે. જોકે, ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ નથી. હવામાન વિભાગ દ્વારા, આગામી બે દિવસ દરમિયાન દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવ અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, તારીખ 17 અને 18 ઓગસ્ટના રોજ હવામાન વિભાગે છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ બહુ જ ઓછી છે. હવામાન વિભાગ દ્વારા આગળ જણાવાયુ છે કે, 19 અને 20 ઓગસ્ટ દરમિયાન પણ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે. આ તારીખો માટે પણ સૌરાષ્ટ્રમાં વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરાઈ નથી.
રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,28,797 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.06 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 65.68 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 64 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 31 જળાશયો મળી કુલ 95 જળાશયો હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 25 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 14 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.