હાલમાં આખું વિશ્વ જાણે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જંગ જામ્યો છે. અનેક લોકો ફસાયા છે તો અનેક લોકોના જીવ પણ ગયા છે. ત્યારે ગુજરાતીઓ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે કે યુક્રેનમાં ભારે તંગદિલી વચ્ચે અમદાવાદના વિદ્યાર્થીઓની સ્થિતિ ખુબ જ ખરાબ બની ગઈ છે, રાણીપના અર્જુન પરમાર અને તેની સાથેના 12 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા 24 કલાકથી રોમાનિયા બોર્ડર ઉપર છે. હજુ રોમાનિયા જવા માટે એન્ટ્રી મળી નથી, ખાવા-પીવા માટેની પણ કોઈ સવલત અપાઈ નથી, ધક્કામુક્કીમાં વિદ્યાર્થીઓ ઘવાયા છે.
આ સાથે જ દુખદ વાત એવી પણ છે કે હજુ સુધી એમ્બેસીમાંથી કોઈ સપોર્ટ સુદ્ધાં મળ્યો નથી એટલું જ નહી, યુક્રેનના ચેર્નિવીસી શહેરની બીએસએમયુ યુનિવર્સિટીના કોઈ પ્રતિનિધિ આ પરિસ્થિતિને જોવા પણ નથી આવ્યા તો મદદની વાત તો ક્યાં રહી. ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીએ પણ જણાવ્યું હતું કે, ગઈ કાલે બાયરોડ બોર્ડર ખાતે વિદ્યાર્થીઓને લઈ જવાયા હતા. જોકે આ વિદ્યાર્થીઓને 8-10 કિલો મીટર દૂર જ બસમાંથી ઉતારી દેવાયા હતા, નાછુટકે સામાન સાથે ચાલતાં ચાલતાં જવું પડ્યું હતું.
સાથે જ એક પિતાએ પણ વાત કરી હતી કે મારા પુત્ર સહિત તેમની સાથેના વિદ્યાર્થીઓ છેલ્લા 24 કલાકથી બોર્ડર પર છે, રોમાનિયા જવા માટે એન્ટ્રી પણ મળી નથી, ખાધા પીધા વગર વિદ્યાર્થીઓની હાલત વધારે ને વધારે ખરાબ થતી જાય છે, ભારે ભીડના કારણે ગેટ નજીક પણ જવા દેવામાં આવતા નથી, નજીક જાય તો આર્મી ભગાડી દે છે. તેના સાથી વિદ્યાર્થીઓની મોબાઈલની બેટરી પણ ઊતરી ગઈ છે, ધક્કામુક્કીના કારણે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ગઈકાલે 5 બસો રોમાનિયા જવા રવાના થઈ હતી. આજે કોઈને એન્ટ્રી અપાઈ નથી. ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં લોકોને ચિંતા થઈ રહી છે.