ગુજરાતમાં હવે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે રોજ કોઈને કોઈ નવી નવી ખબરો આવી રહી છે અને રાજકીય હલચલ મચી રહી છે. હવે એક બીજી ખબર પણ આવી રહી છે કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કઈ બેઠક પરથી ચૂંટણી લડશે એ હવે નક્કી થઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની વર્ષ 2022 ચૂંટણી નજીક આવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકીય પક્ષો સાથે જોડાયેલા જુદા જુદા નેતાઓ પોતાની વિધાનસભા બેઠક પાકી કરવા માટે રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે.
આ વખતે સત્તાધારી પક્ષ ભાજપ અને તેમની સરકાર સામે બાયો ચડાવનાર આંદોલનકારી નેતાઓ પર લોકોની વધારે નજર ટકેલી છે. કારણ કે હવે આ લોકો ભાજપમાં જોડાઈ ગયા છે. 2017ના વર્ષમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો એ સૌ કોઈને ખબર છે. 2017ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠક જીતીને પોતાની સરકાર બનાવી હતી. આ વાતને હવે પાંચ વર્ષ વીતી ગયો છે. આંદોલનકારી નેતાઓએ પણ પોતાની રાજકીય ભૂમિકા હવે બદલી ચૂક્યા છે. ત્યારે હવે સવાલ એ છે કે હાર્દિક અને અલ્પેશ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે અને કેવા પરિણામોની આશા છે.
અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો એ જ્યારે મેદાન ઉતર્યા હતા અને ઓબીસી સમાજની અંદર હીરો બની ગયા હતા. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ વર્ષ 2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. પરંતુ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. ત્યારબાદ રાધનપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ બન્યા. જોકે, અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી ગયા હતા. હવે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં પોતાના રાજકીય પાસાઓ ગોઠવી રહ્યા છે.
હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે એના પ્રમાણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી રાધનપુર અથવા કલોલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતારે તેવું લાગી રહ્યું છે. આમ પણ અલ્પેશ ઠાકોરે છેલ્લા છ મહિનાથી રાધનપુર વિધાનસભા બેઠકના પ્રવાસમાં અચાનક વધારી દીધો છે. રાધનપુર ખાતે વર્તમાન સમયમાં જ અલ્પેશ ઠાકોરે ઘર પણ લઈ લીધું છે, જો કે એ તો હવે ખરા સમયે જ ખબર પડે કે આખરે કઈ બેઠક પરથી ચૂંટણી લડે છે અને લડે છે કે કેમ એ પણ જોવાનું રહ્યું.
બીજો આવો જ કેસ એટલે કે હાર્દિક પટેલ. હાર્દિક પટેલ પણ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં સામેલ થયા હતા. કોંગ્રેસે તો હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવી દીધો હતો. પરંતુ કોંગ્રેસ સાથે હાર્દિક પટેલને વાંધો પડ્યો અને રાજીનામું ધરી દીધું. હવે એ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. હાર્દિક પટેલ પણ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડવા માટે પોતાના રાજકીય પાસાઓ ગોઠવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે કે હાર્દિક પટેલને પાર્ટી માદરે વતન વિરમગામ અથવા તો સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારે એવી શક્યતાઓ છે.