અવારનવાર નેતાઓ જાહેરમાં ગુસ્સે થઈ જતા હોય છે. ત્યારે ફરીવાર એવું કંઈક જોવા મળ્યું છે વડોદરામાં. વડોદરા શહેરમાં સોમવારે તિરંગાયાત્રા યોજાઈ હતી. જેમાં રાજ્યના ગૃહમંત્રી મેયર પર ગુસ્સે થયા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના મેયર કેયૂર રોકડિયા પર ગુસ્સે થયા છે. તેમણે કહ્યું હતું કે દૂર ઊભા રહો ભાઈ. હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે.
જોઈ શકાય છે કે વાઇરલ થયેલા વીડિયો પર લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી. વડોદરા શહેરમાં તિરંગાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન ભીડમાં ટોળાને કારણે મેયરનો ધક્કો ગૃહમંત્રીને અને તેમનો ધક્કો મુખ્યમંત્રીને વાગ્યો હતો.
જેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મેયર કેયૂર રોકડિયા પર ગુસ્સે ભરાઈ કહ્યું, દૂર ઊભા રહો ભાઈ. આ સાંભળી મેયર કેયૂર રોકડિયા સહિતના હોદ્દેદારો સ્તબ્ધ થયા હતા.
જ્યારે સંઘવીનો ગુસ્સો જોયો કે તરત જ મેયરે તાત્કાલિક બધાને દૂર ખસી જવા જણાવ્યું હતું. વડોદરાના મેયર કેયૂર રોકડિયા સતત વિવાદોમાં રહ્યા છે. અગાઉ 10 મહિના પહેલાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022ના પ્રમોશનલ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરાના મેયર કેયૂર રોકડિયાને રખડતાં ઢોરોના મુદ્દે રોકડું પરખાવી દીધું હતું. સી.આર પાટીલે જણાવ્યું હતું કે કેયૂર હવે તમે મીટિંગો બંધ કરો. મને તો તમને જ્યારે મેયર બનાવ્યા ત્યારે લાગતું હતું કે કેયૂર યુવાન છે અને ઝડપથી કામ કરશે, પરંતુ આટલું ધીમું તો નહીં ચાલે. ત્યારે હવે ફરીથી મેયર વિવાદમાં આવ્યા છે.