શહેરની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાનાં કિસ્સાનાં કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઇ છે. જેના પગલે હવે તમામ પક્ષો આ મુદ્દે રાજકીય રોટલાઓ શેકી રહ્યા છે. તેવામાં હર્ષ સંઘવીએ આજે પોતાની ભાવનગરની મુલાકાત દરમિયાન જણાવ્યું કે, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. જાે કે આ મુદ્દે ગુજરાત પોલીસ સતર્ક છે. કોઇને પણ છોડવામાં નહી આવે.
પાલિતાણાની ઘટના અંગે નિવેદન આપતા સમયે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ કહ્યું કે, પ્રેમ કરવો ગુનો નથી, પરંતુ વિધર્મી યુવાનો દ્વારા ષડયંત્ર રચીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. આ પ્રકારના કિસ્સાઓ ગુજરાતમાં સાંખી નહી લેવામાં આવે. પાલિતાણામાં વિધર્મી યુવકો દ્વારા જે યુવકો દ્વારા યુવતીઓને ભગાડી જવા મુદ્દે કડક તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે. કોઇ પણ જવાબદાર એવું વિચારી રહ્યા હોય કે અમે બચી જઇશું તો તેઓ ખાંડ ખાઇ રહ્યા છે.
ભાવનગર આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, માતા-પિતા પોતાની દીકરીઓનું ખાસ ધ્યાન રાખે. કોઇ તેમને ફસાવવાનો પ્રયાસ તો નથી કરી રહ્યું ને. જાે કોઇ ફસાવવાનો પ્રયાસ કરતું હોય કે કોઇ રીતે દબાવવાનો પ્રયાસ કરે તો તત્કાલ પોલીસનો સંપર્ક કરવામાં આવે. દીકરીની ઓળખ છતી ન થાય અને આવા ગુનેગારો વિરુદ્ધ કડક પગલા ભરાય તેની જવાબદારી પોલીસ વતી હું લઉ છું. પોલીસ એવી કાર્યવાહી કરશે કે એ તો શું એની સાત પેઢીમાં કોઇ છોકરીને ફસાવવાનો પ્રયાસ નહી કરે.