ગુજરાતના અનેક ભાગોમાં આજ સવારથી ફરી ધોધમાર વરસાદ શરુ થયો છે. અમદાવાદ, મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યાના અહેવાલ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ચીખલી-વલસાડ હાઈવે હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. નવસારીના કલેક્ટરે આ અંગે ટ્વીટર પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે ૪૮ બંધ કરાયો છે.
પાણીનું સ્તર ઉતરતા જ તેને ફરી ખોલવામાં આવશે. આ રસ્તા પરથી પ્રવાસ ટાળવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. પુર્ણા તેમજ અંબિકા નદીનું જળસ્તર પણ ભયજનક સપાટીથી ઉપર નીકળી ચૂક્યું છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.નવસારીમાં હજુ ત્રણ દિવસ પહેલા જ ધોધમાર વરસાદના કારણે પુણા નદીના પાણી શહેરમાં ફરી વળ્યા હતા. ત્યારબાદ ગઈકાલ રાતથી ફરી વરસાદ શરુ થતાં નવસારીમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.
જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશના જણાવ્યા અનુસાર, મહુઆ તાલુકા અને તેનાથી ઉપરના વિસ્તારમાં પાણીની આવક ખૂબ જ વધારે છે. જેના કારણે પુર્ણા નદીમાં જળસ્તર વધીને ૨૬.૫ ફુટ સુધી પહોંચી જતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ રહેવા માટે જણાવાયું છે. આ સિવાય કાવેરી નદીની સપાટી પણ વહેલી સવારે ચાર વાગ્યે ૨૦ ફુટ પર પહોંચી જતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવા તેમજ જે લોકો આશ્રયસ્થાનમાં છે, તેમને ઘરે ના જવા પણ કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નવસારીમાં આ સપ્તાહની શરુઆતમાં તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે જાણે શહેર આખુંય પાણીમાં ડૂબી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ૧૨ જુલાઈએ નવસારી દોડી ગયા હતા. પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર પહોંચી જતાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જાેકે, બે દિવસમાં નદીનું લેવલ ફરી નીચું આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ગઈકાલ રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે તેનું સ્તર ફરી વધી રહ્યું છે.
સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જાેર વધારે રહેશે. ભારે વરસાદની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ના જવા પણ કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસું પ્રવેશ્યાના એક મહિનામાં સીઝનનો અડધો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં માંડ મહિનામાં આખી સીઝનનો અડધો વરસાદ પડી ગયો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં તો સીઝનનો વરસાદ ૬૪.૪ ટકાને આંબી ગયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યારસુધી ૫૧.૨ ટકા વરસાદ પડ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ૪૧.૧ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૭.૫ ટકા જ્યારે કચ્છમાં ૯૭.૮ ટકા વરસાદ પડી ચૂક્યો છે.