હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ ૧૫ જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી ૫ દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ચાંદલોડિયા, ગોતા, બોપલ, આંબલી, સેટેલાઈટ, વસ્ત્રાપુર, મેમનગર, આંબાવાડી, ઘાટલોડિયા, શીલજ, સરખેજ, આશ્રમ રોડ, સાબરમતી, એરપોર્ટ, શાહીબાગ, નવરંગપુરા, ઉસ્માનપુરા, ઈસનપુર, નરોડા, બાપુનગરમાં વરસાદ પડ્યો હતો. હજી તો ચોમાસું શરૂ જ થયું છે ત્યાં ગુજરાતમાં ૫૦ ટકા વરસાદ ખાબકી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો ૧૭ ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે.
કચ્છમાં ૧૭ ઈંચ અને ૯૭.૭૬ ટકા વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં હજી સુધી સાત ઈંચ વરસાદ થયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં ૧૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં ૧૪ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૩૭ ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૧૩ તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં વાંસદા, કપરાડા અને ધરમપુરમાં મેઘતાંડવની સ્થિતિ છે. બીજી તરફ, આજે સવારે ૬ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં ૮૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ધરમપુરમાં બે કલાકમાં ૩ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૧૮ કલાકમાં કુલ ૧૬૪ તાલુકમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના કપરાડામાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ ૧૬૪ તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં ૧૧ ઇંચ, ડાંગના સુબીરમાં ૯.૪૪ ઇંચ, પારડીમાં ૯ ઇંચ, ધરમપુરમાં ૮.૫૨ ઇંચ, નવસારીમાં ખેરગામમાં ૭.૫૬, વડોદરાના ડભોઇમાં ૮ ઇંચ, વાસંદામાં ૬.૮૮, વલસાડમાં વાપી ૬.૮૮ ઇંચ, નર્મદાના નાંદોદમાં ૭ ઇંચ, ડાંગના આહવામાં ૬.૦૮ ઇંચ, ડાંગ વઘઇમાં ૫.૫૬ ઇંચ, કરજણમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે.