આજકાલ હનીટ્રેપના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. આ ઉપરાંત વીડિયો કૉલ કરીને બીભત્સ હરકતો કરીને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવાના કિસ્સા પણ વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા હારિજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને એક ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. એટલું જ નહીં, ટોળકીએ આ વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ કરીને ચાર આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા ચાર લોકોમાં બે યુવતીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે પાટણમાં આ પહેલા ભદ્ર કચેરી વિસ્તારમાં રહેતા ખેડૂત અને જમીન લે-વેચ કરતા બિલ્ડર સાથે પણ હનીટ્રેપની ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે પાટણી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે હનીટ્રેપમાં ફસાવતી ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે. આ ગેંગે થોડા દિવસ પહેલા હારિજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જે બાદમાં આ કેસના ફરિયાદીનો અર્ધનગ્ન હાલતમાં વીડિયો બનાવીને તેની પાસેથી ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ગેંગે ફરિયાદીની વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેમજ અલગ અલગ રીતે બ્લેકમેલ કરીને પાંચ લાખ જેટલી રકમ ખંખેરી પણ લીધી હતી.
આ કેસની વિગત એવી છે કે રાધનપુરની બે યુવતી અને બે યુવકે પ્લાન રચીને હારિજના એક વ્યક્તિને લાલચ આપીને બોલાવ્યો હતો. જે બાદમાં યુવતીઓએ તેને હસીન સપના બતાવી વ્યક્તિનો અર્ધનગ્ન હાલતમાં વીડિયો બનાવી લીધો હતો. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેમજ સમાજમાં તેને બદનામ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે પીડિત વ્યક્તિએ ફરિયાદ કરતા પાટણ એલસીબીએ હનીટ્રેપને અંજામ આપનાર બે મહિલા અને બે યુવકની અટકાત કરી છે. પોલીસે ધરપકડની સાથે સાથે આરોપીઓ પાસેથી ૩.૩૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસની વધુ વિગત જાેઈએ તો હારિજના હર્ષદકુમાર દશરથલાલ રાવલ પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે કામ કરે છે. તેમને પાંચ મહિના પહેલા એક મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ લોન લેવાની વાત કરી હતી. જેથી હર્ષદકુમાર રાધનપુર ગયા હતા. જાેકે, મહિલા પાસે પુરતા દસ્તાવેજ ન હોવાથી તેઓ પરત ફર્યાં હતા. જે બાદમાં એક દિવસ આ મહિલાનો ફરી ફોન આવતા ફરિયાદ તેણીની કહેલી જગ્યા પર પહોંચ્યા હતા.
ફરિયાદી કર્મકાંડનું કામ પણ કરતા હોવાથી મહિલાએ ઘરે જાપ કરવાનું જણાવ્યું હતું. અહીં મહિલા કોઈ બહાનું બતાવીને બહાર જતી રહી હતી. આ દરમિયાન અન્ય લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદીને માર માર્યો હતો તેમજ તેના કપડાં ઉતારીને ફોટો ક્લિક કરી લીધા હતા. જે બાદમાં ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી.